હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ : મુંબઈ કોસ્ટલ રોડ પર હવે વાગશે ‘જય હો’ની મધુર ધૂન!
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દેશના પ્રથમ મ્યુઝિકલ રોડનું કર્યું ઉદ્ઘાટન: કારની સ્પીડ મર્યાદામાં હશે તો ટાયર આપમેળે સંગીત છેડશે : ટેકનોલોજી અને દેશભક્તિના સંગમથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ

મુંબઈ: માયાનગરી મુંબઈ હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે, પરંતુ આ વખતે મુંબઈએ જે કરી બતાવ્યું છે તે આખા દેશમાં પ્રથમ છે. ૧૧ ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ કોસ્ટલ રોડ કોરિડોર પર ભારતના પ્રથમ ‘મ્યુઝિકલ રોડ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ રસ્તાની સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે તમે તમારી કાર આ રોડ પરથી પસાર કરો છો, ત્યારે તમારે કોઈ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવાની જરૂર નથી, કારણ કે રસ્તો પોતે જ સંગીત રેલાવશે. આ રોડ પર મુસાફરી કરતી વખતે ઓસ્કાર વિજેતા ગીત ‘જય હો’ની મધુર ધૂન સંભળાય છે, જે પ્રવાસીઓમાં રોમાંચ જગાડી રહી છે.
ઘણાને પ્રશ્ન થશે કે રસ્તો સંગીત કેવી રીતે વગાડી શકે? આની પાછળ એક ખાસ એન્જિનિયરિંગ ટેકનોલોજી છુપાયેલી છે. રસ્તાની સપાટી પર ચોક્કસ અંતરે અને પેટર્નમાં ખાસ ‘ગ્રુવ્સ’ (ઝીણી કાપલીઓ) બનાવવામાં આવી છે. જ્યારે વાહનના ટાયર આ ગ્રુવ્સ પરથી પસાર થાય છે, ત્યારે ઘર્ષણને કારણે એક વિશિષ્ટ પ્રકારનું વાઇબ્રેશન પેદા થાય છે. જો વાહન નિર્ધારિત ગતિ મર્યાદામાં ચલાવવામાં આવે, તો આ વાઇબ્રેશન હવામાં ભળીને સંગીતની ધૂન જેવો અવાજ ઉત્પન્ન કરે છે. આ ટેકનોલોજી માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ ડ્રાઇવરોને સ્પીડ લિમિટ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરવા માટે પણ તૈયાર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ મુંબઈના આધુનિકીકરણનું પ્રતીક છે. આ મ્યુઝિકલ સ્ટ્રેચને કારણે કોસ્ટલ રોડ પરનો પ્રવાસ યાદગાર બનશે અને પ્રવાસીઓને એક નવો અનુભવ મળશે. વિશ્વના કેટલાક દેશો જેમ કે જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં આવા રસ્તાઓ પહેલેથી જ અસ્તિત્વમાં છે, પરંતુ ભારતમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. હવે મુંબઈ આવતા પ્રવાસીઓ માટે ગેટવે ઓફ ઈન્ડિયાની જેમ આ ‘ગાતો રસ્તો’ પણ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની જશે તેમાં કોઈ શંકા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
