<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સાવધાન! વોશિંગ મશીન રીપેર કરાવવું મહિલાને પડ્યું ₹11 લાખમાં; માત્ર ₹10ના રિચાર્જની લાલચે બેંક ખાતા કરી દીધા સાફ

લિમિટ ₹1 લાખની હોવા છતાં ખાતામાંથી ₹11.20 લાખ ઉપડી ગયા; બેંકના મેસેજ પણ ન આવ્યા, ગોરખપુરમાં હાઈટેક છેતરપિંડીથી ખળભળાટ

ગોરખપુર: ટેકનોલોજીના યુગમાં સાયબર ગુનેગારો કેટલા શક્તિશાળી બન્યા છે તેનો જીવતો જાગતો કિસ્સો ગોરખપુરમાં સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના ઘરનું વોશિંગ મશીન ઠીક કરાવવા માટે ગૂગલ પરથી મિકેનિકનો નંબર શોધ્યો, જે તેને આર્થિક રીતે બરબાદ કરી દેનારો સાબિત થયો. સાયબર ઠગોએ માત્ર ₹10નું રિચાર્જ કરાવવાના બહાને મહિલાના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ ₹11,20,357ની ઉચાપત કરી લીધી છે.
શું હતી આખી ઘટના?
બાર્ગોની રહેવાસી દીપિકા દુબેએ ૩ ફેબ્રુઆરીના રોજ વોશિંગ મશીન રીપેર કરવા માટે એક મિકેનિકને ફોન કર્યો હતો. સામેથી ઠગે વિશ્વાસ જીતવા માટે કહ્યું કે, "તમે તમારા નંબર પર માત્ર ₹10નું રિચાર્જ કરો જેથી તમારી રજૂઆત નોંધાઈ જાય." મહિલાએ જેવું રિચાર્જ કર્યું કે તરત જ ઠગોએ તેના ફોનનો એક્સેસ મેળવી લીધો હોય તેમ લાગી રહ્યું છે. તે દિવસે અનેક અજાણ્યા કોલ આવ્યા જેને દીપિકાએ અવગણ્યા, પણ પડદા પાછળ ખેલ ખેલાઈ રહ્યો હતો.
બેંકિંગ મર્યાદાના ઉડ્યા ધજાગરા
આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે દીપિકાના SBI અને યુનિયન બેંકના ખાતામાં દરરોજની UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા માત્ર ₹1 લાખ હતી. આમ છતાં, ઠગોએ સિસ્ટમમાં ગાબડું પાડીને એક જ દિવસમાં ₹11 લાખથી વધુની રકમ ઉપાડી લીધી. સ્ટેટ બેંકમાંથી ૭ વ્યવહારોમાં ₹2.81 લાખ અને યુનિયન બેંકમાંથી ૨૧ વ્યવહારોમાં ₹8.38 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા.
મેસેજ પણ ન આવ્યા, 3 દિવસ પછી ખબર પડી
સામાન્ય રીતે બેંકમાંથી ₹500 ઉપડે તો પણ મોબાઈલ પર SMS આવે છે, પરંતુ આ કિસ્સામાં ₹11 લાખ ઉપડ્યા હોવા છતાં મહિલાને એક પણ મેસેજ મળ્યો ન હતો. ૬ ફેબ્રુઆરીએ જ્યારે તે બેંકમાં બેલેન્સ ચેક કરવા ગઈ ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિત મહિલાએ હવે બેંક મેનેજમેન્ટ અને ઠગો વચ્ચેની મિલીભગતની શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સાયબર પોલીસની તપાસ તેજ
ગોરખપુર સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ પાસબુક, બેંક સ્ટેટમેન્ટ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે ગુનેગારો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ઓનલાઈન બેંકિંગ સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે.

(7:20 PM IST)