<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

હવે કારમાં ડ્રાઈવરની જરૂર નહીં પડે! મહિન્દ્રા લાવી રહ્યું છે 'હેન્ડ્સ-ફ્રી' ડ્રાઈવિંગ ટેકનોલોજી; ઇઝરાયેલી કંપની સાથે મળીને રસ્તા પર મચાવશે ધૂમ

2027થી મહિન્દ્રાની ગાડીઓ પોતે જ પાર્કિંગ શોધશે અને હાઈવે પર સ્ટીયરિંગ પકડ્યા વગર દોડશે; 11 કેમેરા અને હાઈ-ટેક સેન્સર્સથી સજ્જ હશે આગામી 6 મોડેલ્સ

મુંબઈ: ભારતીય રસ્તાઓ પર એસયુવી (SUV) ના કિંગ ગણાતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હવે વાહન ચલાવવાનો અંદાજ બદલવા જઈ રહ્યા છે. મહિન્દ્રાએ ઇઝરાયેલની વિશ્વવિખ્યાત ઓટોનોમસ ટેકનોલોજી કંપની 'Mobileye' સાથે મોટી ભાગીદારી કરી છે. આ જોડાણ હેઠળ, 2027 થી મહિન્દ્રાની કારોમાં નેક્સ્ટ જનરેશન ADAS (Advanced Driver Assistance Systems) જોવા મળશે, જે ડ્રાઈવરને લગભગ નવરા કરી દેશે!
સ્ટીયરિંગ છોડો અને મુસાફરીનો આનંદ લો
આ નવી 'સુપરવિઝન' ટેકનોલોજીની ખાસિયત એ છે કે તે 'હેન્ડ્સ-ફ્રી' અને 'આઈ-ઓન' ડ્રાઈવિંગ સુવિધા આપશે. એટલે કે, નિર્ધારિત રૂટ પર તમારી કાર પોતે જ લેન બદલશે, ટ્રાફિક મુજબ ગતિ વધારશે કે ઘટાડશે અને તમારે સ્ટીયરિંગ પકડવાની પણ જરૂર નહીં પડે. આ સિસ્ટમમાં 11 કેમેરા અને શક્તિશાળી રડાર સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે, જે કારની આસપાસ 360 ડિગ્રી નજર રાખશે.
ભારતના પડકારજનક રસ્તાઓ માટે ખાસ તૈયારી
ભારતના રસ્તાઓ પર વાહન ચલાવવું એ વિશ્વના સૌથી મુશ્કેલ કામોમાંનું એક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને Mobileye ના CEO પ્રો. એમનોન શાશુઆએ જણાવ્યું કે, તેઓ મહિન્દ્રા સાથે મળીને આ ટેકનોલોજીને ખાસ કરીને ભારતીય વાતાવરણ અને ટ્રાફિકની સ્થિતિ મુજબ 'લોકલાઈઝ' કરી રહ્યા છે. અગાઉ મહિન્દ્રાએ XUV700 માં ADAS આપીને ઈતિહાસ રચ્યો હતો, હવે તેઓ તેને નવા સ્તરે લઈ જશે.
પાર્કિંગની ચિંતા હવે ભૂલી જાવ
ઘણીવાર ભીડભાડવાળા વિસ્તારોમાં પાર્કિંગ શોધવું માથાના દુખાવા સમાન હોય છે. પરંતુ મહિન્દ્રાની આગામી પેઢીની કારોમાં 'ઓટોમેટિક પાર્કિંગ' ફીચર હશે. કાર જાતે જ ખાલી જગ્યા શોધશે અને ડ્રાઈવરની મદદ વગર સુરક્ષિત રીતે પાર્ક થઈ જશે. આ સિસ્ટમ ડ્રાઈવરની આંખો પર પણ નજર રાખશે, જો ડ્રાઈવરને ઊંઘ આવે કે ધ્યાન ભટકે તો તુરંત એલર્ટ પણ કરશે.
કયા મોડેલ્સમાં આવશે આ સુવિધા?
માનવામાં આવે છે કે મહિન્દ્રાના આગામી 6 ઇલેક્ટ્રિક અને પ્રીમિયમ મોડેલ્સ, જેમાં BE 6, XEV 9e અને XEV 9s ના અપડેટેડ વર્ઝનનો સમાવેશ થઈ શકે છે, તેમાં આ ટેકનોલોજી જોવા મળશે. કંપની 'EyeQ6 High' નામની અત્યાધુનિક ચિપનો ઉપયોગ કરશે, જે કારના મગજ તરીકે કામ કરશે અને લાખો ગણતરીઓ સેકન્ડોમાં કરીને મુસાફરીને સુરક્ષિત બનાવશે.

(7:21 PM IST)