હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાસરિયે ગયેલી પત્ની પર પતિનો 'JCB' જેવો ગુસ્સો! રિસાઈને પિયર ગયેલી પત્નીને લેવા જમાઈ રાજા જેસીબી લઈને પહોંચ્યા અને સાસરિયાની દીવાલ જમીનદોસ્ત કરી નાખી
ઝારખંડના ગિરિડીહમાં કૌટુંબિક ઝઘડાએ લીધું રૌદ્ર સ્વરૂપ; મધ્યરાત્રિએ જેસીબીના ગડગડાટથી આખું ગામ જાગી ગયું, પોલીસે 'પાગલ' પતિ વિરુદ્ધ નોંધી FIR

ગિરિડીહ : સામાન્ય રીતે પતિ-પત્નીના ઝઘડામાં રીસામણા-મનામણાં ચાલતા હોય છે, પરંતુ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં એક જમાઈએ જે પરાક્રમ કર્યું તે જાણીને તમે પણ માથું ખંજવાળતા થઈ જશો. પત્ની પિયરથી પાછી ન આવતા ગુસ્સે ભરાયેલો પિન્ટુ મંડલ નામનો શખ્સ મધ્યરાત્રિએ કોઈ ફૂલહાર કે મીઠાઈ લઈને નહીં, પણ આખું JCB મશીન લઈને સાસરિયે પહોંચ્યો હતો અને જોતજોતામાં સાસરિયાના ઘરની સીમા દીવાલ તોડી પાડી હતી.
મધ્યરાત્રિએ જેસીબીનું તાંડવ
ઘટના જામુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ગામની છે. પિન્ટુ મંડલના લગ્ન સાડા ચાર વર્ષ પહેલા થયા હતા, પરંતુ પત્ની વારંવાર પિયર જતી રહેતી હોવાથી તે રોષે ભરાયેલો હતો. બુધવારે રાત્રે તેણે હદ વટાવી દીધી અને જેસીબી લઈને સાસરિયે ત્રાટક્યો. દીવાલ તૂટવાનો અવાજ સાંભળી આખું ગામ જાગી ગયું અને લોકો ભેગા થતા જ પિન્ટુ જેસીબી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આરોપ-પ્રત્યારોપનો ખેલ
પિન્ટુનું કહેવું છે કે તેના સાસરિયાઓ તેની પત્નીને ભડકાવે છે અને તેને પાછી મોકલતા નથી, જેના કારણે તે માનસિક તણાવમાં હતો. બીજી તરફ, તેની પત્ની ઉર્મિલા દેવીએ હકીકત કંઈક અલગ જ જણાવી છે. ઉર્મિલાના મતે, પિન્ટુ દરરોજ દારૂ પીને આવે છે અને તેને ઢોર માર મારે છે. પોતાના અને બે બાળકોના જીવ બચાવવા માટે તે પિયર રહેવા મજબૂર થઈ છે. ઉર્મિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે પિન્ટુએ તેના દાગીના પણ બળજબરીથી છીનવી લીધા છે.
પોલીસે શરૂ કરી તપાસ
આ ફિલ્મી ડ્રામા બાદ ઉર્મિલાએ જામુઆ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિભૂતિદેવ કુમારે જણાવ્યું કે, "આ મામલે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે અને આરોપી પતિની શોધખોળ ચાલુ છે. જેસીબી વડે મિલકતને નુકસાન પહોંચાડવું એ ગંભીર ગુનો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
હાલમાં તો આખા ઝારખંડમાં આ 'જેસીબી વાળા જમાઈ'ના કિસ્સાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
