<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાહુલ ગાંધીની મુશ્કેલી વધશે: કિરેન રિજિજુ લાવશે 'વિશેષાધિકાર ભંગ'ની નોટિસ, બજેટ ચર્ચામાં પાયાવિહોણા આરોપો લગાવ્યાનો દાવો

"ભારતને ખરીદી કે વેચી શકે તેવું કોઈ જન્મ્યું નથી" - રાહુલ ગાંધીના નિવેદન પર રિજિજુનો પલટવાર; પુરાવા વિનાના આક્ષેપો બદલ સ્પીકર સમક્ષ કાર્યવાહીની માંગ

નવી દિલ્હી : સંસદના બજેટ સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે સરકાર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 'વિશેષાધિકાર ભંગ' (Privilege Motion) ની નોટિસ લાવવા જઈ રહી છે. રિજિજુએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ગૃહને ગેરમાર્ગે દોર્યું છે અને કોઈ પણ પુરાવા વગર ગંભીર આરોપો લગાવીને સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે.
નિયમોની અવગણનાનો આરોપ
કિરેન રિજિજુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "લોકસભાના સ્પષ્ટ નિયમો છે કે જો કોઈ સભ્ય બીજા સભ્ય કે મંત્રી પર ગંભીર આક્ષેપો કરવા માંગતા હોય, તો તેમણે અગાઉથી નોટિસ આપવી પડે અને પુરાવા રજૂ કરવા પડે. રાહુલ ગાંધીએ બજેટ ચર્ચા દરમિયાન કોઈ નક્કર સૂચન આપવાને બદલે માત્ર વાહિયાત અને પાયાવિહોણા આક્ષેપો કર્યા છે." રિજિજુએ વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધીએ એવા લોકોના નામ પણ લીધા જે ગૃહના સભ્ય નથી, જે નિયમોની વિરુદ્ધ છે.
અર્થતંત્ર પર પલટવાર: મનમોહન સિંહનો આપ્યો હવાલો
રાહુલ ગાંધીના "ભારત વેચાઈ ગયું છે" તેવા નિવેદન પર આકરા પ્રહાર કરતા રિજિજુએ કહ્યું કે, "આ દેશની કિંમત કોઈ લગાવી શકે તેમ નથી. ભારતને ખરીદનાર હજુ સુધી કોઈ જન્મ્યું નથી." તેમણે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના ૨૦૧૪ના ભાષણને યાદ અપાવતા કહ્યું કે, ખુદ મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત ૨૦૩૦ સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. પીએમ મોદીએ આ લક્ષ્યને ગતિ આપી છે અને ભારત ૧૧માં સ્થાનેથી છલાંગ લગાવીને આજે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે.
"આરોપો લગાવીને ભાગી જવું યોગ્ય નથી"
સંસદીય મંત્રીએ રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ગંભીર આરોપો લગાવ્યા પછી ગૃહ છોડી દેવું એ યોગ્ય સંસદીય પ્રણાલી નથી. તેમણે રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે તેઓ સાંજે ૫ વાગ્યે ગૃહમાં હાજર રહે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો જવાબ સાંભળે. ભાજપ આ મામલે ઔપચારિક નોટિસ દાખલ કરશે અને રાહુલ ગાંધીના બિનસંસદીય નિવેદનોને રેકોર્ડમાંથી કાઢી નાખવા માટે સ્પીકર પાસે માંગ કરશે.
આગામી દિવસોમાં આ મામલે સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા છે, કારણ કે સરકાર હવે રાહુલ ગાંધી પાસે તેમના આરોપોના લેખિત પુરાવા માંગવાની તૈયારીમાં છે.

(7:32 PM IST)