<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સુપ્રીમ કોર્ટનો NIAને સણસણતો સવાલ: "દરેક હિંસા આતંકવાદ નથી" : દસ્તાવેજો વગર UAPA લગાવવા બદલ ઠપકો

પશ્ચિમ બંગાળના બેલડાંગા હિંસા કેસમાં કેન્દ્રીય એજન્સીની ઉતાવળ પર સર્વોચ્ચ અદાલત લાલચોળ: જસ્ટિસ બાગચીએ કહ્યું- "દેશની આર્થિક સુરક્ષાને જોખમ હોવાના નિષ્કર્ષ પર પૂર્વગ્રહ રાખવો ખોટો": મામલો ફરી કોલકાતા હાઈકોર્ટના દ્વારે

નવી દિલ્હી:  રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો કાયદાકીય ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં થયેલી હિંસાની તપાસમાં ઉતાવળે આતંકવાદ વિરોધી કાયદો (UAPA) લગાવવા બદલ કોર્ટે એજન્સીને આડે હાથ લીધી છે. સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તપાસ દસ્તાવેજો કે કેસ ડાયરી જોયા વિના જ કોઈ ઘટનાને દેશની આર્થિક સુરક્ષા માટે ખતરો ગણી લેવી તે અકાળ અને પૂર્વગ્રહયુક્ત છે. કોર્ટે NIA ને ટકોર કરી કે દરેક ભાવનાત્મક કે હિંસક વિરોધ પ્રદર્શન આતંકવાદી કૃત્યની શ્રેણીમાં આવતું નથી.

આ વિવાદ જાન્યુઆરીમાં થયેલી હિંસાથી શરૂ થયો હતો, જ્યારે ઝારખંડમાં હત્યા કરાયેલા અલાઉદ્દીન શેખનો મૃતદેહ તેના ગામ લાવવામાં આવ્યો ત્યારે દેખાવો ઉગ્ર બન્યા હતા. NIA એ દલીલ કરી હતી કે આ હિંસા બાંગ્લાદેશની સરહદ નજીક થઈ હતી અને તેમાં ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હતો, જે દેશની સુરક્ષા માટે મોટો પડકાર છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારે આ તપાસને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. રાજ્ય સરકારનો તર્ક હતો કે NIA પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને સામાન્ય કાયદો-વ્યવસ્થાની સ્થિતિને આતંકવાદનું રૂપ આપી રહી છે.

સુપ્રીમ કોર્ટે હવે આ સમગ્ર મામલાને ફરીથી કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે મોકલી આપ્યો છે. કોર્ટે NIA ને આદેશ આપ્યો છે કે તેઓ તેમની તપાસનો રિપોર્ટ સીલબંધ કવરમાં હાઈકોર્ટને સોંપે, જે બાદ હાઈકોર્ટ નક્કી કરશે કે આ કેસમાં UAPA ની કલમો ટકે તેમ છે કે નહીં. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પણ આડકતરી રીતે કહ્યું છે કે તેઓ હાઈકોર્ટમાં એવી દલીલ કરી શકે છે કે અહીં કોઈ વિસ્ફોટકોનો ઉપયોગ થયો નહોતો. હવે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં હાઈકોર્ટનો આગામી નિર્ણય નક્કી કરશે કે તપાસની લગામ NIA પાસે રહેશે કે રાજ્ય પોલીસ પાસે.

(7:32 PM IST)