<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

દિલ્હી મેટ્રોનો નવો 'મહારાજા': ૮૯ કિમીની લંબાઈ સાથે 'મેજેન્ટા લાઇન' બનશે સૌથી લાંબો કોરિડોર, નોઇડાથી ઇન્દ્રલોક સુધીની મુસાફરી થશે આસાન

૬૫ સ્ટેશન અને ૨૧ ઇન્ટરચેન્જ સાથે મુસાફરોની બલ્લે-બલ્લે; પિંક લાઇનનો રેકોર્ડ તૂટશે, સેન્ટ્રલ વિસ્ટાથી લઈને એરપોર્ટ સુધી ફેલાશે મેટ્રોનું નેટવર્ક

નવી દિલ્હી: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ રાજધાનીના ટ્રાફિકને હળવો કરવા માટે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. દિલ્હી મેટ્રોના ફેઝ ૪ અને ફેઝ ૫ (A) ના વિસ્તરણ બાદ 'મેજેન્ટા લાઇન' હવે દિલ્હી મેટ્રોનો સૌથી લાંબો અને સૌથી મહત્વપૂર્ણ કોરિડોર બનવા જઈ રહ્યો છે. હાલમાં ૩૯ કિમી લાંબી આ લાઇન હવે લંબાઈને આશરે ૮૯ કિમી સુધી પહોંચશે, જે હાલની સૌથી લાંબી પિંક લાઇન (૫૯ કિમી) ના રેકોર્ડને પણ પાછળ છોડી દેશે.
મૂળ યોજના મુજબ, ઇન્દ્રપ્રસ્થ-ઇન્દ્રલોક કોરિડોર ગ્રીન લાઇનનો ભાગ હોવાનો હતો, પરંતુ હવે તેને મેજેન્ટા લાઇનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે નોઇડાના બોટનિકલ ગાર્ડનથી શરૂ થતી આ મેટ્રો સીધી ઇન્દ્રલોક સુધી જશે. આ વિસ્તરણને કારણે જનકપુરી પશ્ચિમ, આર.કે. આશ્રમ અને સેન્ટ્રલ વિસ્ટા જેવા મહત્વના વિસ્તારો એક જ લાઇનથી જોડાઈ જશે.
આ કોરિડોર પૂર્ણ થયા પછી તેમાં કુલ ૬૫ સ્ટેશન હશે, જેમાંથી ૪૦ સ્ટેશન ભૂગર્ભ હશે. સૌથી મોટી વાત એ છે કે આ લાઇનમાં ૨૧ ઇન્ટરચેન્જ સ્ટેશન હશે, જે મુસાફરોને દિલ્હીના કોઈપણ ખૂણે જવા માટે સીમલેસ કનેક્ટિવિટી આપશે. નવી દિલ્હી, આઝાદપુર અને સેન્ટ્રલ સેક્રેટરીએટ જેવા સ્ટેશનો 'ટ્રિપલ ઇન્ટરચેન્જ' સુવિધા ધરાવશે, જે મુસાફરોનો કિંમતી સમય બચાવશે.

સૌથી ઊંચું અને સૌથી ઊંડું સ્ટેશન: મેજેન્ટા લાઇન માત્ર લંબાઈમાં જ નહીં, પણ ટેકનિકલ દ્રષ્ટિએ પણ બેજોડ છે.
સૌથી ઊંચું સ્ટેશન: હૈદરપુર બદલી મોર સ્ટેશન આશરે ૨૮ મીટરની ઊંચાઈ સાથે સૌથી ઊંચું સ્ટેશન છે.
સૌથી ઊંડું સ્ટેશન: હૌઝ ખાસ સ્ટેશન જમીનથી ૨૯ મીટર નીચે આવેલું સૌથી ઊંડું સ્ટેશન છે.વધુમાં, આ આખો કોરિડોર 'ડ્રાઇવરલેસ' (સ્વચાલિત) ટેકનોલોજી પર ચાલશે, જે મુસાફરીને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવશે.
DMRC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નવા રૂટથી નોઇડા, દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે અને રસ્તાઓ પર ટ્રાફિકની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે. દિલ્હીવાસીઓ માટે હવે મેટ્રોની મુસાફરી વધુ ભવ્ય અને સીમાચિહ્નરૂપ બનવા જઈ રહી છે.

(7:38 PM IST)