હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે 'ભારત બંધ': ૧૨ ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ! બેંકો, શાળાઓ અને પરિવહન સેવાઓ પર બ્રેક લાગશે?
ખેડૂત અને મજૂર સંગઠનોનું આક્રમક એલાન; ૩૦ કરોડ કામદારો હડતાળમાં જોડાશે - નવી શ્રમ સંહિતાના વિરોધમાં સરકારી કચેરીઓ અને બેંકિંગ વ્યવહાર ખોરવાવાની પૂરેપૂરી શક્યતા

અમદાવાદ : દેશભરના ખેડૂત સંગઠનો અને ૧૦ મુખ્ય ટ્રેડ યુનિયનોએ આવતીકાલે એટલે કે ૧૨ ફેબ્રુઆરી, ગુરુવારના રોજ 'ભારત બંધ'નું એલાન આપ્યું છે. નવી શ્રમ સંહિતા અને અન્ય પડતર માંગણીઓને લઈને બોલાવવામાં આવેલી આ દેશવ્યાપી હડતાળની અસર સામાન્ય જનજીવન પર પડવાની આશંકા છે. ખાસ કરીને સરકારી બેંકો અને પરિવહન સેવાઓને લઈને મુસાફરો તેમજ ગ્રાહકોએ સાવધ રહેવું પડશે.
બેંકિંગ સેવાઓ પર સૌથી મોટી અસર
ભારત બંધને કારણે SBI, PNB અને કેનેરા બેંક જેવી જાહેર ક્ષેત્રની બેંકોમાં કામગીરી ઠપ્પ થઈ શકે છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને હડતાળને ટેકો આપ્યો હોવાથી ચેક ક્લિયરન્સ, રોકડ જમા-ઉપાડ અને ડ્રાફ્ટ બનાવવાની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. જોકે, ખાનગી બેંકો (HDFC, ICICI વગેરે) અને કોર્પોરેટ ઓફિસો રાબેતા મુજબ ખુલ્લી રહે તેવી શક્યતા છે.
શાળાઓ, કોલેજો અને બજારોની સ્થિતિ
શાળાઓ અને કોલેજો બંધ રાખવા અંગે કોઈ સત્તાવાર સરકારી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે વિસ્તારોમાં ખેડૂત સંગઠનો વધુ સક્રિય છે ત્યાં રસ્તા રોકો આંદોલનને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક બજારો બંધ રહી શકે છે. વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક પરિસ્થિતિની જાણકારી મેળવીને જ બાળકોને બહાર મોકલે.
શું ખુલ્લું રહેશે અને શું બંધ?
· બંધ રહી શકે છે: સરકારી બેંકો, સરકારી કચેરીઓ, માલવાહક ટ્રકો, કેટલાંક રાજ્યોની એસટી બસો અને સ્થાનિક મંડળીઓ.
· ખુલ્લું રહેશે: હોસ્પિટલો, એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટોર્સ જેવી કટોકટીની સેવાઓ. ખાનગી વાહનો અને કોર્પોરેટ સેક્ટરમાં કામકાજ ચાલુ રહેશે.
કેમ બોલાવવામાં આવ્યો છે બંધ?
ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે નવી શ્રમ સંહિતા કામદારોના અધિકારોને નબળા પાડે છે. આ ઉપરાંત મનરેગાના પ્રશ્નો અને "વિકસિત ભારત જી-રામ-જી" બિલના વિરોધમાં ૩૦ કરોડ જેટલા કામદારો રસ્તા પર ઉતરશે. ૬૦૦ થી વધુ જિલ્લાઓમાં આ હડતાળની અસર જોવા મળશે તેવો દાવો સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે.
આવતીકાલે મુસાફરી કે બેંકિંગનું આયોજન કરતા પહેલા સ્થાનિક સમાચાર અને સ્થિતિની ચકાસણી કરી લેવી હિતાવહ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
