હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહાશિવરાત્રી પહેલા કર્ણાટકમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: દરગાહ પરિસરમાં શિવપૂજા અટકાવવા મેનેજમેન્ટ સુપ્રીમ કોર્ટના દ્વારે, શું ૧૫મીએ થશે 'જલાભિષેક'?
લાડલે મશક દરગાહમાં સ્થિત રાઘવ ચૈતન્ય શિવલિંગની પૂજા સામે વાંધો; સુપ્રીમ કોર્ટે પૂછ્યું- "સીધા અહીં કેમ આવ્યા, હાઈકોર્ટ કેમ ન ગયા?" - ૧૪મી સદીના સૂફી સંત અને ૧૫મી સદીના હિન્દુ સંત સાથે જોડાયેલો છે આસ્થાનો વિવાદ

કલબુર્ગી : કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં આવેલી ઐતિહાસિક લાડલે મશક દરગાહ એકવાર ફરી સાંપ્રદાયિક અને કાયદાકીય ખેંચતાણનું કેન્દ્ર બની છે. આગામી ૧૫ ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રી નિમિત્તે દરગાહ પરિસરમાં આવેલા રાઘવ ચૈતન્ય શિવલિંગ પર પૂજા કરવાના અધિકાર મુદ્દે દરગાહ મેનેજમેન્ટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. મેનેજમેન્ટે આશંકા વ્યક્ત કરી છે કે પૂજાના બહાને સ્થળના મૂળ ધાર્મિક સ્વભાવને બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર વિવાદનો ઇતિહાસ?
આ દરગાહ ૧૪મી સદીના પ્રખ્યાત સૂફી સંત હઝરત શેખ અલાઉદ્દીન અંસારીની યાદમાં બનેલી છે. જોકે, આ જ પરિસરમાં ૧૫મી સદીના હિન્દુ સંત રાઘવ ચૈતન્યની સમાધિ અને એક શિવલિંગ પણ આવેલું છે. વર્ષો સુધી અહીં બંને સમુદાયો શાંતિપૂર્ણ રીતે આસ્થા પ્રગટ કરતા હતા, પરંતુ ૨૦૨૨માં શિવલિંગ પર માટી ફેંકવાની ઘટના બાદ તણાવ વધ્યો હતો. ૨૦૨૫માં હાઈકોર્ટે ૧૫ હિન્દુ શ્રદ્ધાળુઓને મર્યાદિત પૂજાની છૂટ આપી હતી, જેનો આ વર્ષે દરગાહ પક્ષે વિરોધ કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં શું થઈ દલીલો?
વરિષ્ઠ વકીલ વિભા દત્તા માખીજાએ ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ દલીલ કરી હતી કે ૧૫ ફેબ્રુઆરીએ શિવરાત્રી હોવાથી આ મામલે તાત્કાલિક સુનાવણી જરૂરી છે. દરગાહ પક્ષનું કહેવું છે કે દર વર્ષે પૂજાની પરવાનગી મેળવીને ધીમે ધીમે આ આખા સ્થળના ઈતિહાસ અને સ્વરૂપને બદલવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે અરજદારે પહેલા હાઈકોર્ટનો સંપર્ક કેમ ન કર્યો?
સ્થાનિક વહીવટ માટે પડકાર
સીદારામેશ્વર હિરેમઠ નામના વ્યક્તિએ આ વર્ષે પણ ૧૫ શ્રદ્ધાળુઓ સાથે પૂજા કરવાની મંજૂરી માંગી છે. દરગાહ મેનેજમેન્ટની અરજીમાં જણાવાયું છે કે આવી પરવાનગીઓ ભવિષ્યમાં 'પરંપરા' તરીકે રજૂ કરીને સ્થળ પર કબજો મેળવવાનો માર્ગ મોકળો કરી શકે છે. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે વિચારણા કરવાની ખાતરી આપી છે, પરંતુ ૧૫ ફેબ્રુઆરીએ પૂજા થશે કે નહીં તેનો મદાર કોર્ટના વચગાળાના આદેશ પર રહેશે.
મહાશિવરાત્રીના પર્વ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલબુર્ગીમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
