ઉત્તર પ્રદેશ: શાળામાં બાળકોને કૃમિનાશક દવા આપતા જ મચ્યો ખળભળાટ: ૧૦૧ બાળકોની તબિયત એકાએક લથડી, ગભરાયેલા શિક્ષકો દીવાલ કૂદીને ભાગ્યા!
ફરુખાબાદની શાળામાં દવાની આડઅસરથી બાળકોના માથામાં અસહ્ય દુખાવો અને બેચેની; ગુસ્સે ભરાયેલા વાલીઓએ શાળાને ઘેરી, જિલ્લા મેજિસ્ટ્રેટ સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો

ફરુખાબાદ : ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કમલગંજ વિસ્તારની એક જુનિયર હાઇસ્કૂલમાં આરોગ્ય વિભાગના અભિયાન હેઠળ બાળકોને કૃમિનાશક (Anthelmintic) દવા આપવામાં આવી હતી. જોકે, દવા લીધાના ગણતરીના સમયમાં જ એક પછી એક ૧૦૧ બાળકોની તબિયત બગડતા શાળામાં ચિચિયારીઓ અને ગભરાટ ફેલાઈ ગયો હતો.
દવા લેતા જ બાળકો ઢળી પડ્યા
જહાંગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રથૌરા મોહિદ્દીનપુર ગામમાં આવેલી જવાહરલાલ પ્રેમાદેવી સ્કૂલમાં આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી. ૨૬૫ બાળકોની સંખ્યા ધરાવતી આ શાળામાં ૧૫૦ બાળકોને કૃમિનાશક દવા ખવડાવવામાં આવી હતી. દવા લેતાની સાથે જ ધોરણ ૪ ના વિદ્યાર્થી ઋતિકની હાલત બગડી અને ત્યારબાદ અન્ય ૧૦૦ બાળકોએ પણ માથાનો દુખાવો, ચક્કર અને ગભરામણની ફરિયાદ કરી. જોતજોતામાં ૧૦૧ બાળકો બીમાર પડતા શાળા રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી.
વાલીઓનો રોષ અને શિક્ષકોનું પલાયન
બાળકો બીમાર પડ્યા હોવાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા જ મોટી સંખ્યામાં વાલીઓ લાકડીઓ લઈને શાળાએ દોડી આવ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ શાળાના આચાર્ય અને કેટલાક શિક્ષકો જીવ બચાવવા માટે શાળાની દીવાલ કૂદીને ભાગી ગયા હતા. બાદમાં પોલીસે આવીને ગુસ્સે ભરાયેલા વાલીઓને શાંત પાડ્યા હતા અને બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
તંત્ર હરકતમાં: એમ્બ્યુલન્સનો કાફલો દોડ્યો
ઘટનાની ગંભીરતા જોઈને ૩૩ બાળકોને કમલગંજ CHC અને ૬૮ બાળકોને લોહિયા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) આશુતોષ કુમાર દ્વિવેદીએ પોતે હોસ્પિટલ પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વાલીઓને આશ્વાસન આપ્યું હતું કે તમામ બાળકો સુરક્ષિત છે. મુખ્ય તબીબી અધિકારી (CMO) ના જણાવ્યા મુજબ, કૃમિનાશક દવાની આવી પ્રતિક્રિયા કેટલીકવાર જોવા મળે છે અને હાલ તમામ બાળકો ભયમુક્ત છે.
તપાસના આદેશ
હાલમાં મોટાભાગના બાળકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. વહીવટીતંત્રએ દવાની ગુણવત્તા અને વિતરણની પ્રક્રિયા અંગે તપાસના આદેશ આપ્યા છે. શાળાના આચાર્ય ફૂલ સિંહે જણાવ્યું હતું કે હવે માત્ર બે જ બાળકો હોસ્પિટલમાં છે અને તેમની તબિયત પણ સુધારા પર છે.
આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં ચાલતા સામૂહિક દવા વિતરણ અભિયાનની સુરક્ષા અને તકેદારી સામે સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
