<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

કાનપુર લેમ્બોર્ગિની અકસ્માતમાં 'માસ્ટરપ્લાન' કે સત્ય? ડ્રાઈવરનો ચોંકાવનારો દાવો- "માલિકને ચક્કર આવ્યા ને મારા પર ઢળી પડ્યા, એટલે ગાડી ઠોકાઈ!"

૧૦ કરોડની લક્ઝરી કારના અકસ્માતમાં ડ્રાઈવર મોહને ગુનો કબૂલવા કોર્ટમાં કરી અરજી, પણ જજે ઝાટકારો આપ્યો; CCTVમાં માલિક ડ્રાઈવિંગ સીટ પર હોવા છતાં ડ્રાઈવરે નવી જ 'વાર્તા' રજૂ કરી

કાનપુર : કાનપુરના VIP રોડ પર રવિવારે સર્જાયેલા ભયાનક લેમ્બોર્ગિની અકસ્માત કેસમાં આજે એક ફિલ્મી વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી અને કાર માલિક શિવમ મિશ્રાને બચાવવા માટે ડ્રાઈવર મોહને મેદાનમાં ઉતરીને અકસ્માતની જવાબદારી પોતાના માથે લેવાનો પ્રયાસ કર્યો છે. જોકે, કોર્ટે આ 'સરન્ડર' અરજીને ફગાવી દેતા મામલો વધુ ગરમાયો છે.
બુધવારે કોર્ટ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા ડ્રાઈવર મોહને એક અજીબ દાવો કર્યો હતો. તેણે કહ્યું કે, "અકસ્માતના દિવસે ગાડી હું જ ચલાવી રહ્યો હતો. બાજુમાં બેઠેલા શિવમ મિશ્રાને અચાનક ચક્કર આવ્યા અને તેમના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા. તેઓ અચાનક મારા પર ઢળી પડ્યા, જેના કારણે હું ગભરાઈ ગયો અને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. કાર ઓટો અને બાઇક સાથે અથડાઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી."
CCTV ફૂટેજ અને ડ્રાઈવરની દલીલ વચ્ચે વિરોધાભાસ: જ્યારે પત્રકારોએ સવાલ કર્યો કે સીસીટીવી ફૂટેજમાં શિવમ મિશ્રા ડ્રાઈવર સીટ પર દેખાય છે, તો મોહને જવાબ આપ્યો કે, "અકસ્માત પછી હું બારીમાંથી બહાર નીકળ્યો હતો અને શિવમને ખેંચીને ડ્રાઈવર સીટ પર લઈ ગયો હતો જેથી તેમને બહાર કાઢી શકાય." જોકે, પોલીસ તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના મતે શિવમ મિશ્રા પોતે જ કાર ચલાવી રહ્યા હતા.
 એસીજેએમ-૭ (ACJM-7) કોર્ટે મોહનની શરણાગતિની અરજી એ કહીને ફગાવી દીધી કે પોલીસ રિપોર્ટમાં આરોપી તરીકે શિવમ મિશ્રાનું નામ છે, મોહનનું નહીં. કાયદાકીય નિષ્ણાતોના મતે, આ હાઈ-પ્રોફાઈલ કેસમાં માલિકને બચાવવા માટે ડ્રાઈવરને આગળ ધરવાની આ એક જૂની તરકીબ હોઈ શકે છે.
 યાદ અપાવી દઈએ કે ૮ ફેબ્રુઆરીએ ૧૦ કરોડની લેમ્બોર્ગિનીએ કાનપુરમાં કહેર વર્તાવ્યો હતો. એક ઓટો અને બાઇકને અડફેટે લેતા બાઇક સવાર ૧૦ ફૂટ હવામાં ફંગોળાયો હતો. આ ઘટનામાં કુલ ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ 'ડ્રાઈવરની વાર્તા' સામે કેવા પુરાવા રજૂ કરે છે અને શિવમ મિશ્રાની ધરપકડ ક્યારે થાય છે

(8:39 PM IST)