<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

૧૨ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદની આગાહી: ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા

નવી દિલ્હી: દેશના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની ચેતવણી અનુસાર, આગામી ૧૨, ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં તોફાની વરસાદ અને ગાજવીજ સાથે માહોલ જોવા મળી શકે છે.
      વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ બદલાતા હવામાનની સીધી અસર જનજીવન અને ખેતી પર જોવા મળી શકે છે.
  ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યો માટે વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે. કેટલીક જગ્યાએ ભારે પવન સાથે કરા પડવાની પણ સંભાવના છે, જે ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે.
    તંત્ર દ્વારા માછીમારો અને ખેડૂતોને આ ત્રણ દિવસ દરમિયાન સુરક્ષિત રહેવા અને હવામાનની પળેપળની વિગતો મેળવતા રહેવા અપીલ કરવામાં આવી છે. આ કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાશે અને ઠંડીનું જોર વધી શકે છે.

(11:17 PM IST)