<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રેલવે મુસાફરો માટે ખુશખબર: હવે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં પણ મળશે 'ઇમરજન્સી ક્વોટા', મુશ્કેલીના સમયે કન્ફર્મ સીટ મળવી થશે આસાન!

રેલવે બોર્ડનો મોટો નિર્ણય: મેડિકલ ઇમરજન્સી કે તાકીદના કામ માટે હવે પ્રીમિયમ ટ્રેનોમાં પણ રાખવામાં આવશે ખાસ બર્થ; ૯ ફેબ્રુઆરીથી આદેશ જાહેર, મુસાફરોની લાંબા સમયની માંગ સંતોષાઈ

રાજકોટ : ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધુ એક મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે સુવિધા માત્ર સામાન્ય મેઇલ કે એક્સપ્રેસ ટ્રેનોમાં મળતી હતી, તે હવે દેશની પ્રીમિયમ ટ્રેનો એવી 'વંદે ભારત સ્લીપર' અને 'અમૃત ભારત' ટ્રેનોમાં પણ ઉપલબ્ધ થશે. રેલવે બોર્ડે આ ટ્રેનોમાં 'ઇમરજન્સી ક્વોટા' (EQ) લાગુ કરવાનો સત્તાવાર આદેશ જારી કરી દીધો છે, જેનાથી કટોકટીના સમયે મુસાફરી કરનારા લોકોને મોટી રાહત મળશે.
અગાઉના નિયમો મુજબ, અમૃત ભારત-II અને વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં માત્ર મર્યાદિત ક્વોટા જ ઉપલબ્ધ હતા, જેમાં મહિલા ક્વોટા, વરિષ્ઠ નાગરિક ક્વોટા, દિવ્યાંગ ક્વોટા અને ડ્યુટી પાસ ક્વોટાનો સમાવેશ થતો હતો. આ ટ્રેનોમાં કોઈ ઇમરજન્સી ક્વોટા કે RAC (Reservation Against Cancellation) ની સુવિધા નહોતી, જેના કારણે અચાનક મુસાફરી કરનારાઓને કન્ફર્મ ટિકિટ મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી.
 રેલવે બોર્ડના નવા આદેશ (તા. ૯ ફેબ્રુઆરી ૨૦૨૬) મુજબ, હવે આ ટ્રેનોમાં પણ ઇમરજન્સી ક્વોટા ફાળવવામાં આવશે. ખાસ કરીને ૭ કે તેથી વધુ સ્લીપર કોચ ધરાવતી અમૃત ભારત ટ્રેનોમાં ૨૪ બર્થ ઇમરજન્સી ક્વોટા માટે અનામત રાખવામાં આવશે. આ ક્વોટા એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) અથવા બુકિંગ ખુલવાની તારીખથી જ અમલમાં આવી જશે.
મુસાફરોને થનારા ફાયદા:
 ગંભીર બીમારી કે હોસ્પિટલ પહોંચવા માટે તાકીદે મુસાફરી કરનારાઓને પ્રાથમિકતા મળશે.
 અનિવાર્ય સંજોગોમાં સરકારી કામે જનારા અધિકારીઓ કે કર્મચારીઓને સીટ મળી શકશે.
પરિવારમાં કોઈ આકસ્મિક ઘટના સમયે મુસાફરો આ ક્વોટા હેઠળ કન્ફર્મ સીટની વિનંતી કરી શકશે.
ઝોનલ રેલવે હવે મુસાફરોની માંગ અને સીટોની ઉપલબ્ધતાના આધારે સમયાંતરે આ ક્વોટાની સમીક્ષા કરશે અને જરૂર જણાયે તેમાં સુધારા પણ કરી શકશે. આ નિર્ણયથી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવાનું હવે વધુ સુલભ અને સુરક્ષિત બનશે.

(9:32 PM IST)