હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કેન્દ્ર સરકારનો મોટો દાવો: વાંગચુકને સમયસર હિરાસતમાં લેવામાં આવ્યા ન હોત, તો સમગ્ર દેશમાં હિંસાની આગ ફેલાઈ જાત: સુપ્રીમ કોર્ટે વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી જવાબ માગ્યો: આવતીકાલે વધુ સુનાવણી

નવી દિલ્હી: લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એન.એસ.એ.) હેઠળ કરવામાં આવેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે કોર્ટમાં ચોંકાવનારો તર્ક આપ્યો હતો કે જો વાંગચુકને સમયસર હિરાસતમાં લેવામાં આવ્યા ન હોત, તો લદ્દાખ સહિત સમગ્ર દેશમાં સ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત અને હિંસાની આગ ફેલાઈ ગઈ હોત.
સરકારે કોર્ટને જણાવ્યું હતું કે લદ્દાખમાં સ્થિતિ અત્યંત નાજુક હતી અને સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાળ દરમિયાન કરવામાં આવેલા સતત ટ્વીટ્સને કારણે વાતાવરણ વધુ વણસ્યું હતું. હિંસક વિરોધ પ્રદર્શનમાં ચાર લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે વાંગચુક હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. સુપ્રીમ કોર્ટે વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી કેન્દ્ર પાસે પુનઃવિચારણા અંગે જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી હવે આવતીકાલે હાથ ધરવામાં આવશે.
*બુલંદશહેરની હોટલમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: પરિવારના ૩ સભ્યો ગંભીર*
બુલંદશહેર: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં આવેલી એક હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં હોટલ માલિકના પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ જોખમથી બહાર છે અને તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કાબૂમાં લેવા માટે છથી વધુ ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી.
હોટલની અંદર ફસાયેલા ૪૦ જેટલા પ્રવાસીઓ અને સ્ટાફને બચાવવા માટે ક્રેન અને બારીઓનો સહારો લેવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમે અત્યંત જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને ખાલી કરાવીને સમગ્ર ક્ષેત્રને સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહે ખાતરી આપી છે કે અંદર ફસાયેલા તમામ નાગરિકો હવે સુરક્ષિત છે. *









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
