News of Thursday, 12th February 2026
ભારત યુરોપના ભવિષ્ય માટે અનિવાર્ય ભાગીદાર: ગ્રીસના રક્ષામંત્રીનું મોટું નિવેદન

ગ્રીસના રક્ષામંત્રી નિકોસ ડેન્ડિયાસે ભારતને યુરોપ માટે 'અનિવાર્ય ભાગીદાર' ગણાવીને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (એફ.ટી.એ.) ને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
વૈશ્વિક ભૌગોલિક રાજનીતિમાં ભારતનું મહત્વ સતત વધી રહ્યું છે તે વાતની સાબિતી ગ્રીસના રક્ષામંત્રી નિકોસ ડેન્ડિયાસના તાજેતરના નિવેદન પરથી મળે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત હવે યુરોપ માટે માત્ર એક મિત્ર દેશ નથી, પરંતુ એક 'અનિવાર્ય ભાગીદાર' (ઈન્ડિસ્પેન્સેબલ પાર્ટનર) બની ચૂક્યું છે. બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં યુરોપના ભવિષ્ય અને સુરક્ષા માટે ભારત સાથેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે.
ગ્રીક મંત્રીએ ભારત અને યુરોપિયન યુનિયન (ઈ.યુ.) વચ્ચે ચાલી રહેલી મુક્ત વ્યાપાર કરાર (એફ.ટી.એ.) ની વાટાઘાટોને પણ મજબૂત સમર્થન આપ્યું હતું. તેમણે ભારતને યુરોપના ભવિષ્ય માટે 'નેસેસરી-ટુ-હેવ' એટલે કે અત્યંત આવશ્યક ગણાવ્યું હતું. તેમના મતે, ચીન અને અન્ય મહાસત્તાઓ સામે સંતુલન જાળવવા અને આર્થિક વિકાસ માટે યુરોપે ભારત સાથે મજબૂત વ્યાપારી અને રક્ષણાત્મક સંબંધો બાંધવા જ પડશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે અને યુરોપિયન દેશો સાથે પણ વ્યુહાત્મક ભાગીદારી વધારી રહ્યું છે. ગ્રીસ અને ભારત વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી અત્યંત ગાઢ બન્યા છે, અને બંને દેશો મેરીટાઇમ સિક્યુરિટી અને ડિફેન્સમાં સહયોગ વધારી રહ્યા છે. ગ્રીક મંત્રીનું આ નિવેદન ભારતની વધતી જતી વૈશ્વિક શાખ અને યુરોપિયન યુનિયનમાં ભારત પ્રત્યેના બદલાયેલા સકારાત્મક વલણનો સ્પષ્ટ સંકેત આપે છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
