<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

વિધવા પેન્‍શન લેવા માટે પત્‍નીએ પતિને ચોપડા પર મારી નાખ્‍યો, કોર્ટના આદેશથી પતિ પાસેથી ભરણપોષણ પણ મેળવી રહી છે

મધ્‍ય પ્રદેશના સિગરોલી જિલ્‍લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી

 

સિગરોલી,તા.૧૨: મધ્‍ય પ્રદેશના સિગરોલી જિલ્‍લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કરસોસા ગામમાં ચંદ્રબલી પટેલ નામના ૩૦ વર્ષના યુવાનની જિદગી જબરી ગૂંચવણમાં પડી છે. ચંદ્રબલીનું કહેવું છે કે ૨૦૧૪માં અજોરિયા પટેલ નામની કન્‍યા સાથે તેનાં લગ્ન થયાં એ પછી થોડા જ સમયમાં પત્‍ની સાથે વિવાદ શરૂ થઈ ગયો હતો. મતભેદ મનભેદમાં પરિણમતાં છૂટા થવાનું નક્કી કર્યું. અજોરિયાએ દહેજ અને મારપીટનો આરોપ લગાવીને પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી. આખો મામલો મહિને પાંચ હજાર રૂપિયાની ભરણપોષણની રકમ આપવાના કોર્ટના આદેશ સાથે છૂટાછેડામાં પૂરો થયો. એ પછી તો ચંદ્રબલીએ ગુજારિયા નામની બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં. જોકે અજોરિયા પોતાના ગામ ઝીરમાં રહેવા ચાલી ગઈ એ પછી તેણે પોતાના પતિને મરેલો જાહેર કરીને વિધવા પેન્‍શન લેવાનું શરૂ કરી દીધું. કોર્ટના આદેશથી ઑલરેડી પતિ તેને ૫૦૦૦ રૂપિયા મહિને આપે જ છે. એમ છતાં વિધવા પેન્‍શન પણ તે સરકાર પાસેથી લે છે. ચંદ્રબલીએ આ મામલે કલેક્‍ટર-ઑફિસ, જિલ્‍લા-કાર્યાલય અને પોલીસથાણામાં ફરિયાદ પણ કરી છે, પણ કોઈ સાંભળતું નથી. જ્‍યારે તેણે સોશ્‍યલ મીડિયામાં આ વાત ગજાવી તો પ્રશાસન જાગ્‍યું. હવે જિલ્‍લાપંચાયતના પ્રવક્‍તા કહે છે કે આ બાબતની ફરિયાદ મળી છે અને જો એ સાચી હશે તો એ માટે જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. (૪૦.૮)

(10:06 AM IST)