<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બાંગ્‍લાદેશમાં લોકશાહીના પર્વ વચ્‍ચે લોહિયાળ ખેલઃ વધુ એક હિન્‍દુ યુવાનની હત્‍યા

૨૮ વર્ષીય રતનની હાથ-પગ બાંધી હત્‍યા કરી લાશ ચાના બગીચામાં ફેંકી દેવાઈઃ છેલ્લા ૩ મહિનામાં ૧૮ હિન્‍દુઓ શિકાર બનતા લઘુમતીઓમાં ફફડાટ

ઢાકા, તા.૧૨: બાંગ્‍લાદેશમાં આજે જ્‍યારે ૧૨ કરોડથી વધુ મતદારો નવી સરકાર માટે મતદાન કરી રહ્યા છે, ત્‍યારે લઘુમતી હિન્‍દુ સમુદાય પર કાળઝાળ હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ૨૮ વર્ષીય રતન સાહુકાર નામના હિન્‍દુ યુવાનની અત્‍યંત નિર્મમ રીતે હત્‍યા કરવામાં આવી હતી. તેનો લોહીથી લથપથ મળતદેહ ચંપારાના એક ચાના બગીચામાંથી મળી આવ્‍યો હતો. રતનના હાથ અને પગ દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા અને તેના શરીર પર તીક્ષ્ણ હથિયારોના અસંખ્‍ય ઘા હતા, જે દર્શાવે છે કે તેને મોતને ઘાટ ઉતારતા પહેલા ભયાનક યાતનાઓ આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્‍થાનિક હિન્‍દુ સમુદાયમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ હત્‍યા માત્ર એક ગુનો નથી, પરંતુ બાંગ્‍લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા પર એક મોટો પ્રશ્‍નાર્થ ચિન્‍હ છે. છેલ્લા ત્રણ મહિનાના આંકડાઓ અત્‍યંત ભયાનક છે; ડિસેમ્‍બરમાં ૯, જાન્‍યુઆરીમાં ૬ અને ફેબ્રુઆરીમાં અત્‍યાર સુધીમાં ૩ હિન્‍દુઓની હત્‍યા કરવામાં આવી છે. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, રતન દરરોજની જેમ કામ પર ગયો હતો, પરંતુ તેની સુરક્ષિત પરત ફરવાની આશા સવારે ૧૦ વાગ્‍યે તેની લાશ મળતાની સાથે જ ઠગારી નીવડી હતી. સ્‍થાનિક લોકોનો આરોપ છે કે આ કોઈ અંગત અદાવત નહીં, પરંતુ ચૂંટણી ટાણે લઘુમતીઓને ડરાવવા અને ધાકધમકી આપવા માટે કરાયેલું પૂર્વયોજિત કાવતરું છે.

ચૂંટણી રણનીતિ તરીકે હિન્‍દુઓને નિશાન બનાવવાની આ પેટર્ન ભારત સહિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ ચિંતાનો વિષય બની છે. પ્રાંતોષ કર્મોકરથી લઈને પ્રલય ચાકી સુધીના ૧૮ નામોની લાંબી યાદી હવે રતનના મળત્‍યુથી વધુ કલંકિત થઈ છે. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી તપાસના આદેશ તો આપ્‍યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ધરપકડ કરવામાં આવી નથી. જ્‍યારે એક તરફ તારિક રહેમાન અને શફીકુર રહેમાન સત્તા માટે દાવો કરી રહ્યા છે, ત્‍યારે આ લઘુમતી સમુદાય પૂછી રહ્યો છે કે શું લોકશાહીમાં અમારા લોહીની કોઈ કિંમત નથી? આ હત્‍યાકાંડની અસર આજની ચૂંટણીના મતદાનની ટકાવારી પર પણ પડી શકે છે.

(2:32 PM IST)