<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

આકાશમાં ગાજશે ૧૧૪ રાફેલનો ગડગડાટઃ ૩.૨૫ લાખ કરોડના પ્રોજેક્‍ટને લીલી ઝંડી

મેક ઇન ઇન્‍ડિયાના સથવારે ભારતીય વાયુસેના બનશે દુનિયાની સૌથી શક્‍તિશાળી હવાઈ શક્‍તિ : દુશ્‍મનોની હવે ખેર નથીઃ પોસાઇડન વિમાનોનો સમાવેશ ભારતીય નૌકાદળને પણ સુપરપાવર બનાવશે

 

નવી દિલ્‍હી, તા.૧૨: ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આજે એક એવો ઈતિહાસ રચાયો છે જેનાથી દુશ્‍મન દેશોના છાવણીમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્‍યક્ષતામાં મળેલી સંરક્ષણ સંપાદન પરિષદ એ ૧૧૪ રાફેલ ફાઇટર જેટ અને ૬ અત્‍યાધુનિક P-8I પોસાઇડન રિકોનિસન્‍સ વિમાનોની ખરીદીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદો ભારતની રક્ષણ ક્ષમતામાં ગેમ ચેન્‍જર સાબિત થશે. ખાસ વાત એ છે કે, આ મંજૂરી ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોનની ભારત મુલાકાતની બરાબર પહેલાં આપવામાં આવી છે, જે ભારત અને ફ્રાન્‍સ વચ્‍ચેના અતૂટ વ્‍યૂહાત્‍મક સંબંધોની નવી ઊંચાઈ દર્શાવે છે. આશરે રૂ.૩.૨૫ લાખ કરોડનો આ સોદો ભારતનો અત્‍યાર સુધીનો સૌથી મોટો અને શક્‍તિશાળી સંરક્ષણ કરાર છે.

ભારતીય વાયુસેના હાલમાં ફાઇટર સ્‍ક્‍વોડ્રનની અછતનો સામનો કરી રહી હતી, પરંતુ આ ૧૧૪ નવા રાફેલના આગમનથી આ ખોટ ભરાઈ જશે. આ કરારની સૌથી મોટી વિશેષતા મેક ઇન ઇન્‍ડિયા અભિયાન છે. ૧૧૪ વિમાનોમાંથી ૧૮ વિમાન સીધા ફ્રાન્‍સની દસોલ્‍ટ એવિએશન કંપની પાસેથી તૈયાર હાલતમાં  આવશે, જ્‍યારે બાકીના ૯૬ વિમાનોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આનાથી માત્ર ભારતની સૈન્‍ય તાકાત જ નહીં વધે, પરંતુ હજારો કુશળ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ખુલશે. પાકિસ્‍તાન અને ચીન જેવી બેવડી સરહદો પર વધતા ખતરાને જોતા, આ સોદો ભારતને આકાશમાં અભેદ્ય કિલ્લો બનાવી દેશે.

રાફેલ માત્ર એક વિમાન નથી, પણ આધુનિક યુદ્ધકળાનું જીવતું-જાગતું ઉદાહરણ છે. તે ૨૫૦ કિલોમીટર દૂર બેઠેલા દુશ્‍મનને SCALP મિસાઇલથી પલકવારમાં નેસ્‍તનાબૂદ કરી શકે છે. તેની સાથે મીટિઅર એર-ટુ-એર મિસાઇલો અને હેમર જેવા ઘાતક હથિયારો તેને વિશ્વનું સૌથી ખતરનાક ફાઇટર જેટ બનાવે છે. અગાઉ ઓપરેશન સિંદૂરમાં રાફેલે પોતાની સચોટતાનો પરચો આપીને પાકિસ્‍તાનને ધ્રૂજાવી દીધું હતું. હવે ૧૧૪ જેટની આ આખી ફોજ વાયુસેનાના ભાથામાં જોડાતા ભારતની હવાઈ તાકાત અનેકગણી વધી જશે, જે કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ હશે.

બીજી તરફ, દરિયાઈ સીમાઓ પર નજર રાખવા માટે ૬ નવા P-8I પોસાઇડન વિમાનોનો સમાવેશ ભારતીય નૌકાદળને પણ સુપરપાવર બનાવશે. અમેરિકન ટેકનોલોજીથી સજ્જ આ વિમાનો સમુદ્રમાં છુપાયેલી દુશ્‍મન સબમરીન અને જહાજોને સેકન્‍ડોમાં શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. ભારત પાસે પહેલેથી જ ૧૨ આવા વિમાનો છે અને આ નવા ૬ ના આગમનથી હિંદ મહાસાગરમાં ભારતની પકડ વધુ મજબૂત બનશે. આમ, આકાશી સુરક્ષા હોય કે દરિયાઈ દેખરેખ, ભારત હવે દુનિયાની શ્રેષ્ઠ સૈન્‍ય શક્‍તિઓ સાથે ખભેથી ખભો મિલાવીને ઊભું રહેવા માટે તૈયાર છે. (રર.૨૪)

(3:23 PM IST)