News of Thursday, 12th February 2026
નામ નહિ બદલો ત્યાં સુધી રીલીઝ નહિ થવા દઈએઃ ઘૂષણખોર પંડિતના નિર્માતાઓને સુપ્રીમનો આદેશ
નેટફિ્લક્સ પર રિલીઝ પહેલાં જ લાગી રોક : સમાજના એક વર્ગનું અપમાન અને નૈતિકતાના લીરેલીરા ઉડાડતા શીર્ષક સામે નીરજ પાંડેનો ઉધડો લીધો

નવી દિલ્હી, તા.૧૨: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી અને પ્રખ્યાત દિગ્દર્શક નીરજ પાંડેની આગામી ફિલ્મ ભુષ્ખોર પંડિત અત્યારે ગંભીર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ ફિલ્મના શીર્ષક (ટાઈટલ) સામે સખત વાંધો ઉઠાવતા નિર્માતાઓને જોરદાર ઠપકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે, ત્યાં સુધી તેને રિલીઝ થવા દેવામાં આવશે નહીં. કોર્ટના મતે, આવું શીર્ષક સમાજના એક ચોક્કસ વર્ગની લાગણી દુભાવે છે અને જાહેર નૈતિકતાના માપદંડોનું ઉલ્લંઘન કરે છે. આ આદેશ સાથે જ ફિલ્મની રિલીઝ પર અનિヘતિકાળ સુધી રોક લાગી ગઈ છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ નેટફિ્લક્સે તેના ઇન્ડિયા પ્લાન હેઠળ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. ફિલ્મમાં મનોજ બાજપેયી એક ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે, જેનું પાત્ર પંડિત તરીકે ઓળખાય છે. જોકે, ભુષ્ખોર પંડિત (અથવા ઘુસખોર પંડિત) જેવું નકારાત્મક શીર્ષક સામે આવતા જ દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. લોકોએ તેને જ્ઞાતિસૂચક અપમાન ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા કોર્ટે હવે કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડ અને નિર્માતા નીરજ પાંડેને કારણદર્શક નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આકરા સવાલ કર્યા હતા કે મનોરંજનના નામે કોઈ સમુદાયને આ રીતે બદનામ કરવાની છૂટ કેવી રીતે આપી શકાય? ફિલ્મના વિષયવસ્તુ કરતાં તેના નામથી ઊભા થતા સામાજિક ઘર્ષણ પર કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે તો નેટફિ્લક્સ પર આ ફિલ્મ જોવા આતુર દર્શકોએ રાહ જોવી પડશે, કારણ કે કાયદાકીય ગૂંચ ઉકેલાયા વગર અને નવું સ્વીકાર્ય શીર્ષક નક્કી થયા વગર પંડિત પડદા પર દેખાશે નહીં. હવે જોવાનું એ રહેશે કે નીરજ પાંડે આ બાબતે શું નવું શીર્ષક આપે છે અને સેન્સર બોર્ડનો આ મામલે કેવો પ્રતિસાદ રહે છે. (રર.૧૯)
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
