<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બાંગ્‍લાદેશમાં બોમ્‍બ ધડાકા અને હિંસા વચ્‍ચે મતદાન ચાલુ

૧૪૦ કેન્‍દ્રો પર ગરબડ અને ૪૩ મતદાન મથકો પર હિંસાઃ ભારે માત્રામાં સુરક્ષાદળો તૈનાત મુન્‍શીગંજમાં કોકટેલ વિસ્‍ફોટ અને ગોપાલગંજમાં હિંસા છતાં મતદારોની લાંબી લાઈનો

ઢાકા, તા.૧૨: બાંગ્‍લાદેશ આજે એક નવા સૂર્યોદયની આશા સાથે મતદાન કરી રહ્યું છે, પરંતુ આ રસ્‍તો લોહી અને બારૂદની ગંધથી ભરેલો છે. ૧૮ મહિના પહેલા થયેલા વિદ્યાર્થી વિદ્રોહ અને શેખ હસીનાના શાસનના નાટકીય અંત બાદ આ દેશની ૧૩મી સંસદીય ચૂંટણી છે. આヘર્યની વાત એ છે કે, દાયકાઓ સુધી સત્તા પર રહેલી અવામી લીગ આ વખતે મેદાનમાં નથી, કારણ કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. અત્‍યારે મુખ્‍ય જંગ બાંગ્‍લાદેશ નેશનાલિસ્‍ટ પાર્ટી અને જમાત-એ-ઇસ્‍લામી વચ્‍ચે છે. ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ૧૭ વર્ષના વનવાસ બાદ આ ચૂંટણીમાં કિંગ બનીને ઉભરી રહ્યા હોય તેવું ચિત્ર સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે.

હિંસાની વાત કરીએ તો, લોકશાહીના આ પર્વમાં અનેક જગ્‍યાએ વિઘ્‍ન સંતોષીઓએ માથું ઊંચકયું છે. મુન્‍શીગંજ અને ગોપાલગંજ જેવા વિસ્‍તારોમાં ક્રૂડ બોમ્‍બ (કોકટેલ) વિસ્‍ફોટો થતાં અફરાતફરી મચી ગઈ હતી. ગોપાલગંજમાં થયેલા એક ધડાકામાં બે સુરક્ષા જવાનો અને એક નિર્દોષ બાળક ગંભીર રીતે ઘાયલ થયા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, દેશભરમાં ૪૩ થી વધુ સ્‍થળોએ હિંસક અથડામણો થઈ છે અને લગભગ ૧૪૦ મતદાન મથકો પર કામગીરીમાં અવરોધ ઊભો થયો છે. હરીફ ઉમેદવારોના સમર્થકો વચ્‍ચે થયેલા ગોળીબારને કારણે કેટલાક વિસ્‍તારોમાં છાવણી જેવો માહોલ સર્જાયો છે.

આ ભયાનક વાતાવરણ છતાં બાંગ્‍લાદેશી જનતાનો મિજાજ કંઈક અલગ જ છે. સવારથી જ મતદાન મથકોની બહાર કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને હિન્‍દુ લઘુમતી સમુદાયના લોકોમાં ભારે ઉત્‍સાહ છે, જેઓ પોતાના અસ્‍તિત્‍વ અને સુરક્ષા માટે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને પોતે બૂથ પર જઈને મતદાન કર્યું અને દેશવાસીઓને ખાતરી આપી કે સેના દરેક નાગરિકની સુરક્ષા માટે કટિબદ્ધ છે. લોકોમાં એક પ્રકારનો સકારાત્‍મક ગણગણાટ છે કે આ ચૂંટણી દેશને અરાજકતામાંથી બહાર કાઢી સ્‍થિરતા તરફ લઈ જશે.

સૌથી મોટો સસ્‍પેન્‍સ અત્‍યારે અવામી લીગના છુપા સમર્થકોને લઈને છે. હસીના ભલે ભારતમાં હોય, પણ તેમના લાખો કાર્યકરો નો વોટના નારા હેઠળ ચૂપચાપ કોને સમર્થન આપશે તેના પર સૌની નજર છે. શું જમાત-એ-ઇસ્‍લામી જેવી કટ્ટરપંથી તાકાતો BNP ના વિજય રથને રોકી શકશે? કે પછી તારિક રહેમાનના નેતળત્‍વમાં બાંગ્‍લાદેશ ફરી એકવાર નવી દિશા પકડશે? સાંજ સુધીમાં આ જંગના પરિણામોની દિશા નક્કી થઈ જશે, પરંતુ અત્‍યારે તો બારૂદની ગંધ વચ્‍ચે પણ બાંગ્‍લાદેશી જનતાનો લોકશાહીમાં અતૂટ વિશ્વાસ સાફ દેખાઈ રહ્યો છે

(4:19 PM IST)