હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાખીનો ખોફ કે નશાનો કેફ? અંબાલામાં નશામાં ધૂત હેડ કોન્સ્ટેબલે યુવતીને કાર નીચે કચડી નાખી, ધરપકડ બાદ બચાવમાં કહ્યું- "હું નારાજ હતો"
રક્ષક જ બન્યો ભક્ષક: દિલ્હીથી પરત ફરી રહેલી 24 વર્ષીય નિકિતાનું કમકમાટીભર્યું મોત; ઈજાગ્રસ્ત ભાઈની નજર સામે જ બહેને દમ તોડ્યો, પોલીસ પર લાગ્યા આરોપીને બચાવવાના ગંભીર આક્ષેપ

અંબાલા | તા.12: હરિયાણાના અંબાલામાં કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતા એક પોલીસ કર્મચારીએ જ માનવતાને શર્મસાર કરી છે. અંબાલાના કાલી પલટન બ્રિજ પાસે એક નશામાં ધૂત હેડ કોન્સ્ટેબલે પોતાની કાર બેફામ હંકારીને એક ઈ-રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 24 વર્ષીય નિકિતા બજાજનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ જ્યારે નશામાં ચૂર પોલીસકર્મીની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે અત્યંત બેશરમીથી એવો જવાબ આપ્યો કે, "હું કોઈ વાતને લઈને નારાજ હતો," જે સાંભળીને સૌના લોહી ઉકળી ઉઠ્યા છે.
ભાઈની નજર સામે છીનવાયું બહેનનું આયુષ્ય
મૃતક નિકિતા બજાજ તેના ભાઈ હર્ષ સાથે ટ્રેન દ્વારા દિલ્હીથી અંબાલા પરત ફરી રહી હતી. હર્ષને થોડા સમય પહેલા માથામાં ઈજા થઈ હોવાથી નિકિતા તેની સંભાળ લઈ રહી હતી. રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ તેઓ રેલવે સ્ટેશનથી ઈ-રિક્ષામાં બેસીને ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં જ કાળ બનીને આવેલા હેડ કોન્સ્ટેબલે કચડી નાખ્યા. હર્ષની નજર સામે જ તેની વ્હાલી બહેનનું પ્રાણપંખેરુ ઉડી ગયું, જે દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
હોસ્પિટલમાં પોલીસ અને પરિવાર વચ્ચે ઘર્ષણ
આ ઘટના બાદ ટ્રોમા સેન્ટરમાં ભારે હોબાળો મચ્યો હતો. નિકિતાના પરિવારજનોએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, પોલીસ વિભાગ પોતાના જ કર્મચારીને બચાવવા માટે રક્ષણાત્મક વલણ અપનાવી રહ્યો છે. પરિવાર અને પોલીસ અધિકારીઓ વચ્ચે હોસ્પિટલ પરિસરમાં જ ઉગ્ર દલીલો થઈ હતી. અકસ્માત સમયે ઈ-રિક્ષામાં અન્ય મુસાફરો પણ સવાર હતા, જેમને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
ન્યાયની માંગ સાથે રોષ
એક તરફ જ્યારે સામાન્ય નાગરિક ભૂલ કરે તો પોલીસ કાયદાનો દંડો ઉગામે છે, ત્યારે નશામાં ધૂત થઈને માસૂમનો જીવ લેનાર આ 'ખાખીધારી' સામે કેવા કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે. સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી લોકો નિકિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. શું એક પોલીસકર્મીની 'નારાજગી' કોઈના ઘરનો ચિરાગ ઓલવી નાખવા માટે પૂરતી છે? તેવો પ્રશ્ન અત્યારે આખું અંબાલા પૂછી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
