<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

પક્ષીઓનો કિલકિલાટ હવે ઘોંઘાટમાં દબાયો: વધતું જતું ધ્વનિ પ્રદૂષણ પક્ષીઓ માટે બન્યું ‘સાઇલન્ટ કિલર’; પ્રજનન શક્તિ ઘટી અને અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે

સંગીત નહીં, અસ્તિત્વનો આધાર છે પક્ષીઓનો અવાજ: વાહનોનો હોર્ન અને લાઉડસ્પીકર પક્ષીઓના પ્રેમ અને સંવાદમાં બન્યા અવરોધ; શહેરીકરણની દોડમાં પ્રકૃતિના ‘નેવિગેટર્સ’ દિશા હાર્યા

જયપુર | તા.૧૨: આપણી સવાર જે પક્ષીઓના મધુર કિલકિલાટથી પડતી હતી, તે અવાજ હવે ધીમે ધીમે શહેરોના ઘોંઘાટમાં ખોવાઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, વધતું જતું ધ્વનિ પ્રદૂષણ પક્ષીઓ માટે માત્ર પરેશાની નથી, પણ તેમના અસ્તિત્વ માટે ખતરો સાબિત થઈ રહ્યું છે. પક્ષીઓ માટે અવાજ એ માત્ર મનોરંજન નથી, પરંતુ તેમના સંદેશાવ્યવહાર, સુરક્ષા, દિશા અને પ્રજનનનો મુખ્ય આધાર છે.
સંવાદ તૂટ્યો, સંબંધો છૂટ્યા
પક્ષીઓ પોતાના અવાજ અને ગીતો દ્વારા સાથીની પસંદગી કરે છે અને પોતાના વિસ્તારની રક્ષા કરે છે. નિષ્ણાતોના મતે, વાહનોનો અવાજ, વિમાનોની ગર્જના અને ઔદ્યોગિક મશીનરીના કોલાહલને કારણે પક્ષીઓ એકબીજાના સંકેતો સમજી શકતા નથી. આના પરિણામે તેમની પ્રજનન ક્ષમતા પર માઠી અસર પડી છે. ટ્રાફિકના અવાજમાં માદા પક્ષી નર પક્ષીના ‘પ્રેમ ગીત’ ને સાંભળી શકતી નથી, જેના કારણે તેમની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
તણાવમાં જીવતું પક્ષીજગત
કુદરતી વાતાવરણમાં પાંદડાઓનો અવાજ કે અન્ય પક્ષીનો સંકેત તેમને શિકારીઓથી બચાવે છે. પરંતુ શહેરી ઘોંઘાટમાં પક્ષીઓ ભયના સંકેતો પારખી શકતા નથી, જેના કારણે તેઓ સતત તણાવમાં રહે છે. આ તણાવ તેમની ઊંઘ, ખોરાક અને આરામ પર પ્રતિકૂળ અસર કરે છે. પરિણામે, ચકલી, કોયલ, મૈના અને પોપટ જેવા પક્ષીઓ હવે શહેરી વિસ્તારો છોડી રહ્યા છે અથવા તો લુપ્ત થઈ રહ્યા છે.
મોબાઈલ ટાવર અને લાઈટનું જોખમ
માત્ર અવાજ જ નહીં, પણ મોબાઈલ ટાવરના તરંગો અને રાત્રિના સમયે ઈમારતોનો ઝગમગાટ પણ પક્ષીઓને દિશાહિન કરી રહ્યો છે. કૃત્રિમ પ્રકાશને કારણે પક્ષીઓ રસ્તો ભટકી જાય છે અને ઊંચી ઈમારતોના કાચ સાથે અથડાઈને જીવ ગુમાવે છે. આ અસંતુલનથી માત્ર પક્ષીઓ જ નહીં, પણ સમગ્ર ઇકોસિસ્ટમ ખોરવાઈ રહી છે, કારણ કે બીજ ફેલાવવાનું અને જીવાત નિયંત્રણ કરવાનું મહત્વનું કામ આ પક્ષીઓ જ કરે છે.
સમય છે જાગવાનો
જો આપણે હજુ પણ ધ્વનિ પ્રદૂષણ પ્રત્યે ગંભીર નહીં બનીએ, તો ભવિષ્યની પેઢીને પક્ષીઓ માત્ર પુસ્તકોમાં જ જોવા મળશે. વિકાસની આ દોડમાં પ્રકૃતિના આ મધુર સંગીતકારોને બચાવવા એ આપણી નૈતિક જવાબદારી છે.

(5:34 PM IST)