<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

જયરામ રમેશને સુપ્રીમ કોર્ટનો જોરદાર ફટકો: "મોટા દંડ માટે તૈયાર રહેજો!" કોંગ્રેસ સાંસદની અરજી પર નારાજ થયા ચીફ જસ્ટિસ; અરજી પાછી ખેંચવી પડી

કેન્દ્રના મેમોરેન્ડમને પડકારવો પડ્યો ભારે: સુપ્રીમ કોર્ટે કહ્યું- "આ માત્ર મીડિયામાં ચમકવા માટેની રિટ અરજી છે"; કોર્ટના જૂના ચુકાદાના અમલીકરણને જ પડકારતા બેન્ચે લીધું કડક વલણ

નવી દિલ્હી | તા.12: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ જયરામ રમેશની આકરી ઝાટકણી કાઢી છે. પર્યાવરણીય મંજૂરીઓને લગતા કેન્દ્ર સરકારના એક ઓફિસ મેમોરેન્ડમ (OM) ને પડકારતી રમેશની અરજી પર સુપ્રીમ કોર્ટે એટલી નારાજગી વ્યક્ત કરી કે તેમને 'ઉદાહરણીય ખર્ચ' એટલે કે મોટો દંડ ભરવાની ચેતવણી આપી દીધી હતી. કોર્ટના આ તેવર જોઈને અંતે જયરામ રમેશના વકીલે અરજી પાછી ખેંચી લેવી પડી હતી.
"અમે આ પાછળની રમત જાણીએ છીએ"
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે જે મેમોરેન્ડમ બહાર પાડ્યું છે તે હકીકતમાં સુપ્રીમ કોર્ટના જ એક ચુકાદાને લાગુ કરવા માટે છે. બેન્ચે આકરા શબ્દોમાં કહ્યું, "તમે રિટ અરજી દ્વારા કોર્ટના જ ચુકાદાને કેવી રીતે પડકારી શકો? આ માત્ર મીડિયામાં હેડલાઇન્સ બનાવવા માટે કરવામાં આવ્યું છે. ઉદાહરણીય દંડ માટે તૈયાર રહો, અમે આની પાછળની વ્યૂહરચના સારી રીતે સમજીએ છીએ."
શું હતો સમગ્ર વિવાદ?
ગયા વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો કે પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તે સમયે કોર્ટે કેન્દ્ર સરકારના એ પ્રયાસને ફગાવી દીધો હતો જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રોજેક્ટ્સને 'પૂર્વવર્તી' (Ex Post Facto) એટલે કે જૂની તારીખથી પર્યાવરણીય મંજૂરી આપવાની છૂટ આપવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ સરકારની બંધારણીય જવાબદારી છે અને કાયદાથી ઉપર જઈને કંઈપણ નિયમિત કરી શકાય નહીં.
કોર્ટની ફટકાર અને અરજીની વાપસી
જયરામ રમેશ જે મેમોરેન્ડમને પડકારી રહ્યા હતા, તે વાસ્તવમાં આ કડક પર્યાવરણીય નિયમોને જ લાગુ કરવા માટેનું પગલું હતું. કોર્ટે અવલોકન કર્યું કે અરજીમાં કોઈ કાયદાકીય તથ્યના બદલે રાજકીય હેતુ વધુ દેખાય છે. જ્યારે CJI કાંતે દંડ કરવાની વાત કરી, ત્યારે અરજીકર્તાએ નમતું જોખીને તરત જ અરજી પાછી ખેંચી લીધી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અદાલતી પ્રક્રિયાનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે કરવા બદલ સર્વોચ્ચ અદાલત કોઈને પણ બક્ષવાના મૂડમાં નથી.

(5:38 PM IST)