<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ: UN ના રિપોર્ટમાં મોટો ધડાકો; મસૂદ અઝહરે બનાવી ‘મહિલા આતંકી પાંખ’

સુરક્ષા પરિષદની ચેતવણી: ૧૫ નિર્દોષોના જીવ લેનાર હુમલામાં આતંકી સંગઠનની ભૂમિકા સ્પષ્ટ; ‘જમાત ઉલ-મુમિનત’ નામે મહિલાઓને આત્મઘાતી હુમલા માટે તૈયાર કરવાનું પાકિસ્તાની ષડયંત્ર

નવી દિલ્હી | તા.૧૨: ભારતની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે નવેમ્બરમાં લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ એક સનસનાટીભર્યો અહેવાલ રજૂ કર્યો છે. UN સુરક્ષા પરિષદની મોનિટરિંગ ટીમે પુષ્ટિ કરી છે કે આ ઘાતક હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. આ હુમલામાં ૧૫ લોકોના મોત નીપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
મસૂદ અઝહરની નવી ‘ફીમેલ આતંકી વિંગ’
UN ના અહેવાલમાં સૌથી વધુ ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આંતરરાષ્ટ્રીય આતંકી મસૂદ અઝહરે હવે મહિલાઓને આતંકવાદના રસ્તે વાળવા માટે એક ખાસ પાંખની સ્થાપના કરી છે. ૮ ઓક્ટોબરના રોજ ઔપચારિક રીતે ‘જમાત ઉલ-મુમિનત’ નામની આ વિંગની જાહેરાત કરવામાં આવી હતી. આ મહિલા પાંખનો મુખ્ય હેતુ આતંકવાદી હુમલાઓને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવો અને આત્મઘાતી હુમલાઓ માટે મહિલાઓને તૈયાર કરવાનો છે.
‘વ્હાઇટ-કોલર’ આતંકી નેટવર્કનો ખુલાસો
લાલ કિલ્લા પર થયેલા વિસ્ફોટ બાદ NIA અને દિલ્હી પોલીસની તપાસમાં એક અત્યાધુનિક ‘વ્હાઇટ-કોલર’ આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તપાસકર્તાઓને જાણવા મળ્યું કે જૈશ-એ-મોહમ્મદ માત્ર સરહદ પારથી જ નહીં, પણ દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા મોડ્યુલ્સ દ્વારા આંતરરાજ્ય કાવતરું ઘડી રહ્યું છે. વિસ્ફોટ પહેલા થયેલી કેટલીક ધરપકડો અને બાદમાં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક અત્યંત સુવ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે કડક નજર
UN ની ૧૨૬૭ પ્રતિબંધ સમિતિ, જે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા સંગઠનો પર નજર રાખે છે, તેણે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલ મુજબ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ આતંકીઓ અને લાલ કિલ્લાના કાવતરાખોરો વચ્ચે સીધો સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. ભારતે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ઘેરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે.

(5:39 PM IST)