<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ટીવી શોના સેટ પર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો પાકિસ્તાની સ્ટાર અહમદ શહેઝાદ: ‘મારો 9 વર્ષનો દીકરો મને રમતા જોવા માંગે છે, પણ...’ કહેતા અવાજ ગુંગળાયો અને શો છોડીને ભાગ્યો

PSL માં કોઈ ખરીદનાર ન મળતા છલકાયું દર્દ: ‘હંસના મના હૈ’ શોમાં હસવાના બદલે રડવા લાગ્યો સ્ટાર બેટ્સમેન; 18 વર્ષની મહેનતને નજર સામે ખતમ થતી જોઈ ભાવુક થયો પાકિસ્તાની ‘વિરાટ’

કરાચી | તા.12: પાકિસ્તાની ક્રિકેટમાં એક સમયે જેની સરખામણી વિરાટ કોહલી સાથે થતી હતી, તેવા સ્ટાર ઓપનર અહમદ શહેઝાદનો એક આઘાતજનક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જીઓ ન્યૂઝના ફેમસ કોમેડી ટોક શો "હંસના મના હૈ" માં મહેમાન તરીકે આવેલા શહેઝાદે જ્યારે પોતાની કારકિર્દી અને હાલની સ્થિતિ વિશે વાત કરી, ત્યારે તે પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યો અને લાખો દર્શકો સામે કેમેરા પર જ રડી પડ્યો હતો.
9 વર્ષના પુત્રની ઈચ્છાએ હૃદય ચીરી નાખ્યું
શો દરમિયાન અહમદ શહેઝાદે અત્યંત ભાવુક થતા કહ્યું કે, "ખૂબ દુઃખ થાય છે જ્યારે તમારી સાથે રમેલા તમામ ખેલાડીઓ આજે પણ મેદાનમાં હોય અને તમને પાકિસ્તાન સુપર લીગ (PSL) જેવી ટુર્નામેન્ટમાં પણ કોઈ તક ન મળે." તેણે રડતા રડતા ઉમેર્યું કે, "મારો 9 વર્ષનો દીકરો હવે મોટો થઈ રહ્યો છે. તે મને દરરોજ પૂછે છે કે પપ્પા તમે ક્યારે રમશો? તે મને ફરીથી મેદાન પર જોવા માંગે છે. તેને ખુશ રાખવા માટે મારે ખોટું બોલવું પડે છે, પણ અંદરથી હું તૂટી જાઉં છું."
18 વર્ષની મહેનત અને અચાનક આવેલો અંધકાર
શહેઝાદે પોતાની પીડા વ્યક્ત કરતા કહ્યું કે, તેણે 18 વર્ષ ક્રિકેટના મેદાનમાં લોહી-પરસેવો એક કર્યો છે. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનાર પાકિસ્તાનનો પ્રથમ બેટ્સમેન હતો. "મેં બધું જ મારી નજર સામે શરૂ થતું જોયું હતું અને હવે બધું જ ખતમ થતું જોઈ રહ્યો છું. જ્યારે પીએસએલની હરાજીમાં મારું નામ રિજેક્ટ થયું, ત્યારે મને રાત્રે ઊંઘ નહોતી આવી. આવું મારી સાથે દર બે-ત્રણ દિવસે થાય છે, હું લાગણીઓના રોલરકોસ્ટર પર હોઉં છું."
હોસ્ટે ગળે લગાવ્યો પણ આંસુ ન રોકાયા
જ્યારે શહેઝાદનો અવાજ ગુંગળાયો અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, ત્યારે શોના હોસ્ટ અને સહ-મહેમાન મોહમ્મદ આમિરે તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. હોસ્ટે પોતાની સીટ પરથી ઉભા થઈને તેને ગળે લગાવ્યો, પરંતુ શહેઝાદ એટલો ભાવુક થઈ ગયો હતો કે તેણે માફી માંગી અને રડતા રડતા જ સેટ છોડીને ચાલ્યો ગયો. 34 વર્ષીય શહેઝાદે છેલ્લે 2019માં પાકિસ્તાન માટે મેચ રમી હતી, ત્યારથી તે ટીમમાં વાપસી માટે સંઘર્ષ કરી રહ્યો છે.

(5:53 PM IST)