<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

રાજપાલ યાદવને ‘કોર્ટ’ની ફટકાર: "ગુનો કબૂલ્યા પછી માફી નહીં" : અભિનેતાની જામીન અરજી ફગાવી

₹9 કરોડની લોન ન ચૂકવવાના કેસમાં ફસાયેલા કોમેડિયનને તિહાર જેલમાં જ રહેવું પડશે: ભત્રીજીના લગ્નમાં જવાની દલીલ પણ ન ચાલી: દિલ્હી હાઈકોર્ટે ઠપકો આપતા કહ્યું- "કાયદો બધા માટે સમાન છે, તમે વચન તોડ્યું એટલે જેલમાં છો"

નવી દિલ્હી:  બોલિવૂડમાં પોતાની કોમેડીથી લાખો લોકોને હસાવનાર રાજપાલ યાદવ અત્યારે પોતે ગંભીર કાયદાકીય મુશ્કેલીમાં છે. ₹9 કરોડની લોન પરત ન કરવાના જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ૧૨ ફેબ્રુઆરીએ થયેલી સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ અભિનેતાને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો. રાજપાલ યાદવે પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન પર મુક્તિ માંગી હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજપાલ યાદવ જેલમાં કોર્ટના આદેશને કારણે નહીં, પણ પોતાના કાર્યો અને અધૂરા વચનોને કારણે છે.

રાજપાલ યાદવના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે લોનની રકમમાંથી ₹3 કરોડથી વધુની ચુકવણી કરી દેવામાં આવી છે અને બાકીના ₹5 કરોડ પણ ચૂકવવા માટે તેઓ તૈયાર છે. જોકે, કોર્ટે આ દલીલોને પાયાવિહોણી ગણાવી હતી. ન્યાયાધીશે નોંધ્યું કે રાજપાલને અગાઉ ૨૫ થી ૩૦ વખત સમજૂતી કરવાની અને પૈસા ચૂકવવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેમણે દરેક વખતે વચન તોડ્યું હતું. જ્યારે અભિનેતાએ પોતે જ સ્વીકાર્યું છે કે તેમણે પૈસા લીધા હતા અને તે ચૂકવી શક્યા નથી, ત્યારે હવે સજા પર સ્ટે મૂકવાનો કે જામીન આપવાનો કોઈ કાયદાકીય આધાર રહેતો નથી.

૫ ફેબ્રુઆરીથી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા રાજપાલ યાદવ માટે ૧૬ ફેબ્રુઆરીનો દિવસ નિર્ણાયક સાબિત થશે, કારણ કે તે દિવસે કોર્ટ મુરલી પ્રોજેક્ટ કંપનીની હાજરીમાં વધુ સુનાવણી કરશે. કોર્ટે કડક લહેજામાં કહ્યું કે, "મને તમારી સાથે સહાનુભૂતિ હોઈ શકે છે, પરંતુ કાયદો કાયદો છે." કોર્ટના આ કડક વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સેલિબ્રિટી સ્ટેટસ હોવા છતાં આર્થિક છેતરપિંડી અને કોર્ટના આદેશના અનાદરના કિસ્સામાં કોઈને પણ વિશેષ રાહત મળશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આગામી સોમવારે રાજપાલના વકીલો કયા નવા પુરાવા રજૂ કરે છે.

(7:11 PM IST)