<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

અમેરિકાની પેરુને ‘ડ્રેગન’થી સાવધ રહેવા ચેતવણી: "સસ્તા ચીની પૈસા તમારી આઝાદી છીનવી લેશે"

પેરુમાં ચીન દ્વારા નિર્મિત $૧.૩ અબજના ‘ચાંકે મેગાપોર્ટ’ પર ટ્રમ્પ વહીવટીતંત્ર લાલચોળ: કોર્ટના આદેશથી બંદર પરનું નિયંત્રણ ગુમાવતા પેરુની સાર્વભૌમત્વ જોખમમાં હોવાનો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો દાવો,

લીમા:  દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં ચીનનું વધતું જતું વર્ચસ્વ હવે અમેરિકા અને ચીન વચ્ચેના ‘કોલ્ડ વોર’નું નવું કેન્દ્ર બન્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે પેરુને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ચીન તરફથી મળતા ‘સસ્તા પૈસા’ વાસ્તવમાં પેરુની સાર્વભૌમત્વની કિંમતે આવી રહ્યા છે. આ વિવાદ પેરુની રાજધાની લીમા નજીક ચીની રોકાણથી બની રહેલા ચાંકે (Chancay) ડીપવોટર બંદરને લઈને છે. અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ચીની કંપનીઓ ‘શિકારી’ (Predatory) નીતિ અપનાવી રહી છે, જે લાંબા ગાળે પેરુને ચીનનું ગુલામ બનાવી દેશે. પશ્ચિમી ગોળાર્ધમાં ચીનનો આ પ્રભાવ અમેરિકા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મોટો પ્રશ્ન બની ગયો છે.

વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પેરુની એક સ્થાનિક અદાલતે સરકારને જ આ મેગાપોર્ટના નિરીક્ષણ અને દેખરેખ કરવાથી અટકાવી દીધી. આ નિર્ણયથી આશ્ચર્યચકિત થયેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પ્રતિક્રિયા આપી છે કે, પોતાના જ દેશમાં એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિયંત્રણ ગુમાવવું એ પેરુની સ્વાયત્તતા માટે ખતરો છે. ચાંકે બંદર ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ’ (BRI) નો ભાગ છે, જે દક્ષિણ અમેરિકાથી એશિયા સુધીના શિપિંગ સમયમાં ૨૩ દિવસનો ઘટાડો કરશે. અમેરિકાને ડર છે કે આ બંદરનો ઉપયોગ ભવિષ્યમાં ચીન તેના લશ્કરી હેતુઓ માટે પણ કરી શકે છે.

બીજી તરફ, ચીને અમેરિકાના આ દાવાઓને ‘અફવા અને નિંદા’ ગણાવીને ફગાવી દીધા છે. બેઇજિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ભારપૂર્વક જણાવ્યું છે કે આ બંદર સંપૂર્ણપણે પેરુના કાયદા અને અધિકારક્ષેત્ર હેઠળ છે. ચીનનું કહેવું છે કે બંદર પર કસ્ટમ અને પોલીસ અધિકારીઓ નિયમિત નજર રાખી રહ્યા છે. જોકે, પેરુની સરકારી એજન્સી હવે આ મામલે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તૈયારી કરી રહી છે. આ વૈશ્વિક ખેંચતાણ વચ્ચે પેરુ હવે ચીની રોકાણ અને અમેરિકી મિત્રતા વચ્ચે સેન્ડવિચ બન્યું છે, જે સમગ્ર વિશ્વ માટે એક ગંભીર ચેતવણી સમાન છે.

(7:12 PM IST)