News of Thursday, 12th February 2026
ઇઝરાયલનું ‘અભેદ્ય’ કવચ: હવે ઇરાની હાઇપરસોનિક મિસાઇલોનો કાળ બનશે ‘Arrow-4’ : અંતરીક્ષમાં જ થશે ખેલ ખતમ!
IAI અને અમેરિકાના સંયુક્ત સાહસથી તૈયાર થયેલી આગામી પેઢીની ઇન્ટરસેપ્ટર સિસ્ટમનું ટૂંક સમયમાં પરીક્ષણ: AI સેન્સર્સ અને ‘શૂટ-લુક-શૂટ’ ટેકનોલોજીથી સજ્જ

તેલ અવીવ: ઇઝરાયલે તેની સંરક્ષણ પ્રણાલીને આગામી પેઢીના સ્તરે લઈ જતા ‘એરો-4’ ઇન્ટરસેપ્ટર મિસાઇલના પરીક્ષણની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઇરાન સાથે વધતા જતા મિસાઇલ તણાવ અને હાઇપરસોનિક ખતરાઓ વચ્ચે, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને અમેરિકન મિસાઇલ ડિફેન્સ એજન્સી દ્વારા વિકસિત આ સિસ્ટમ ઇઝરાયલના આકાશને ‘અભેદ્ય’ બનાવશે. એરો-4 ખાસ કરીને એવા હાઇપરસોનિક ગ્લાઇડ વાહનો અને બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવા માટે બનાવવામાં આવી છે, જે હવામાં પોતાની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. આગામી થોડા મહિનાઓમાં તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ યોજાવાની છે, જે મધ્ય-પૂર્વના યુદ્ધના મેદાનમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
આ નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અલ્ગોરિધમ્સ અને અત્યાધુનિક સેન્સર્સ છે. તે દુશ્મન દ્વારા છોડવામાં આવેલા સાચા વોરહેડ્સ અને ‘ડેકોય’ એટલે કે નકલી મિસાઇલો વચ્ચે પળવારમાં તફાવત કરી શકે છે. આ સિસ્ટમ ‘શૂટ-લુક-શૂટ’ ના સિદ્ધાંત પર કામ કરે છે, જેમાં પ્રથમ ફાયર કર્યા બાદ સિસ્ટમ લક્ષ્યના વિનાશનું મૂલ્યાંકન કરે છે અને જો જરૂર જણાય તો તરત જ બીજો હુમલો કરે છે. આ તકનીકને કારણે હાઇપરસોનિક મિસાઇલો બચવાની સંભાવના નહિવત થઈ જાય છે. વધુમાં, તે ‘હિટ-ટુ-કિલ’ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે વિસ્ફોટકો વિના સીધા અથડામણ દ્વારા દુશ્મન મિસાઇલના ફુરચા ઉડાવી દે છે.
એરો-4 એ ઇઝરાયલની બહુ-સ્તરીય રક્ષણાત્મક દિવાલનો સૌથી ઉપરનો અને શક્તિશાળી ભાગ હશે, જે ૩૦ વર્ષ જૂની એરો-2 સિસ્ટમનું સ્થાન લેશે. તે એરો-3 અને ડેવિડ સ્લિંગ જેવી હયાત સિસ્ટમ્સ સાથે મળીને કામ કરશે, જેથી વાતાવરણની અંદર અને અવકાશમાં પણ સુરક્ષા જાળવી શકાય. ઇરાને તાજેતરમાં જે હાઇપરસોનિક મિસાઇલોનો દાવો કર્યો છે, તેને પરાસ્ત કરવા માટે આ ઇન્ટરસેપ્ટરની ચપળતા અને પાંખો તેને અત્યંત આધુનિક બનાવે છે. ઇઝરાયલ હવે માત્ર ડિફેન્સ જ નહીં, પરંતુ ‘એરો-5’ દ્વારા ભાવિ અંતરીક્ષ યુદ્ધોની પણ અત્યારથી તૈયારી કરી રહ્યું છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
