<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ઉત્તર કોરિયામાં ‘યુવરાની’નો ઉદય: ૧૩ વર્ષની કિમ જુ એ સંભાળશે પિતા કિમ જોંગ ઉનનું સિંહાસન?

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી NISનો સનસનાટીભર્યો દાવો: પરંપરા તોડીને કિમ જોંગ ઉને પુત્રીને જાહેર કરી ઉત્તરાધિકારી : મિસાઇલ પરીક્ષણથી લઈને વિદેશ પ્રવાસ સુધી પિતાના પડછાયાની જેમ સાથે રહેતી કિમ જુ એ હવે સંભાળશે પરમાણુ સંપન્ન દેશની કમાન!

પ્યોંગયાંગ:  દુનિયાના નકશા પર સૌથી અલગ-થલગ અને રહસ્યમય ગણાતા દેશ ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેતો તેજ બન્યા છે. દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ગુપ્તચર સેવા (NIS) એ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમની આશરે ૧૩ વર્ષની પુત્રી કિમ જુ એ ને પોતાના વારસદાર તરીકે પસંદ કરી લીધી છે. પિતૃસત્તાક પરંપરા ધરાવતા આ દેશના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક અને અનોખો વળાંક છે. કિમ જુ એ માત્ર લશ્કરી પરેડમાં જ નહીં, પરંતુ તાજેતરમાં બેઇજિંગના પ્રવાસ દરમિયાન પણ પિતા સાથે જોવા મળી હતી, જે તેની વધતી જતી રાજકીય તાકાત અને સ્વીકૃતિનો પુરાવો છે.

કિમ જુ એ વિશેની વિગતો પણ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી રસપ્રદ છે. ૨૦૧૦ના દાયકામાં જન્મેલી આ કિશોરી ક્યારેય કોઈ જાહેર શાળામાં ગઈ નથી. તેને પ્યોંગયાંગમાં ખાસ મહેલોમાં ઘરે જ શિક્ષણ આપવામાં આવ્યું છે, જેમાં તેને શાસન ચલાવવાની કળા સાથે ઘોડેસવારી, સ્કીઇંગ અને સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓમાં નિષ્ણાત બનાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં જ્યારે તે પહેલીવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચિંગ સમયે પિતાનો હાથ પકડીને જોવા મળી, ત્યારે જ દુનિયા સમજી ગઈ હતી કે કિમ જોંગ ઉન કંઈક મોટું વિચારી રહ્યા છે. હવે ઉત્તર કોરિયાના સરકારી મીડિયામાં પણ તેને 'હ્યાંગડો' તરીકે સંબોધવામાં આવે છે, જે શબ્દ માત્ર આવનારા સર્વોચ્ચ નેતા માટે જ વપરાય છે.

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ સત્તાની પ્રબળ દાવેદાર છે, પરંતુ હવે ભત્રીજીએ કાકીને રેસમાં પાછળ છોડી દીધા હોય તેમ જણાય છે. કિમ જુ એ ને જે રીતે સત્તાવાર કાર્યક્રમોમાં આગળ કરવામાં આવી રહી છે, તે જોતા નિષ્ણાતો માને છે કે કિમ જોંગ ઉન પોતાની હયાતીમાં જ સત્તાનું હસ્તાંતરણ સુનિશ્ચિત કરવા માંગે છે. આ મહિનાના અંતમાં યોજાનારી પાર્ટી કોંગ્રેસ પર આખા વિશ્વની નજર ટકેલી છે, કારણ કે ત્યાં આ ૧૩ વર્ષની કિશોરીના રોલ વિશે કોઈ મોટી સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જો આવું થશે, તો ઉત્તર કોરિયાના શાસનમાં એક નવો જ અધ્યાય શરૂ થશે.

(7:17 PM IST)