હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પપ્પુ યાદવની મુક્તિ પર ‘બ્રેક’: એક કેસમાં જામીન મળ્યા ત્યાં બે નવા કેસમાં જેલભેગા કરાયા; સાંસદના સમર્થકોમાં ભારે રોષ
૩૧ વર્ષ જૂના કેસમાં રાહત મળી પણ ૨૦૧૭ના વિવાદે ખેલ બગાડ્યો: પટણા પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલ્યા; વકીલોએ ધરપકડને ગણાવી રાજકીય ષડયંત્ર

પટણા:બિહારના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.મંગળવારે ૩૧ વર્ષ જૂના એક છેતરપિંડીના કેસમાં કોર્ટમાંથી જામીન મળતા સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. જેલમાંથી બહાર આવે તે પહેલા જ પટણા પોલીસે વધુ બે જૂના કેસોમાં તેમની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેતા મોટો ખળભળાટ મચી ગયો છે.
આ સમગ્ર કાર્યવાહી પટણાના બુદ્ધ કોલોની અને કોતવાલી પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા ૨૦૧૭ના કેસોના સંદર્ભમાં કરવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન આ જૂના ફોજદારી કેસોમાં તેમને કોઈ રાહત મળી નહોતી અને કોર્ટે તેમને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. પપ્પુ યાદવના વકીલોએ દલીલ કરી હતી કે આ તમામ કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત છે, પરંતુ કાયદાકીય જટિલતાઓને કારણે સાંસદને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે.
નોંધનીય છે કે પપ્પુ યાદવ ૧૯૯૫ના એક જૂના કેસમાં ધરપકડ થયા બાદ જેલમાં હતા. મંગળવારે સાંસદ-ધારાસભ્ય (MP-MLA) કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. જોકે, મુક્તિની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ પટણા પોલીસે તેમની ધરપકડ દરમિયાન પોલીસ સાથે થયેલા વિવાદના કેસમાં તેમનું નામ આરોપી તરીકે જોડી દીધું હતું. આ નવા અવરોધને કારણે પપ્પુ યાદવની જેલમાંથી મુક્તિ અટકી પડી છે.
પપ્પુ યાદવની ધરપકડના સમાચાર મળતા જ તેમના સમર્થકો પટણાની કોર્ટ અને પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈ ગયા હતા. સમર્થકોનો આરોપ છે કે પપ્પુ યાદવની વધતી જતી લોકપ્રિયતાથી ડરીને સરકાર જાણીજોઈને જૂના કેસો ખોલીને તેમને પરેશાન કરી રહી છે. અત્યારે પપ્પુ યાદવના વકીલો હાઈકોર્ટમાં જામીન અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ હાલ પૂરતું તો સાંસદે જેલમાં જ રહેવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
