<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ગોવા નાઈટક્લબ અગ્નિકાંડ: 25 જિંદગીઓ હોમનાર લુથરા બ્રધર્સને કોર્ટનો જોરદાર ફટકો, જામીન અરજી ફગાવી; જેલના સળિયા પાછળ જ રહેશે ‘બિર્ચ’ના માલિકો

થાઈલેન્ડ ભાગી ગયા પણ કાયદાના સકંજાથી બચી ન શક્યા: માપુસા સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવતા જામીન આપવાનો ઈનકાર કર્યો; ગૂંગળામણને કારણે 23 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો રિપોર્ટમાં ખુલાસો

પણજી:ગોવાના પ્રખ્યાત પર્યટન સ્થળ આર્પોરામાં આવેલી 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટક્લબમાં લાગેલી વિનાશક આગના કેસમાં મુખ્ય આરોપી લુથરા બ્રધર્સની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. 25 લોકોનો ભોગ લેનારા આ અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા ગૌરવ અને સૌરભ લુથરાની જામીન અરજી માપુસા સેશન્સ કોર્ટે આજે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આટલી મોટી જાનહાનિ માટે જવાબદાર આરોપીઓને કોઈ પણ સંજોગોમાં રાહત આપી શકાય નહીં.
6 અને 7 ડિસેમ્બર, 2025ની એ કાળી રાત્રિએ નાઈટક્લબમાં જ્યારે પાર્ટી જામી હતી, ત્યારે અચાનક લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અકસ્માતમાં પ્રવાસીઓ અને સ્થાનિક યુવાનો સહિત કુલ 25 લોકોના મોત થયા હતા. મેડિકલ રિપોર્ટ મુજબ, તેમાંથી 23 લોકોના મોત તો ક્લબમાં ફસાયેલા ઝેરી ધુમાડા અને ગૂંગળામણને કારણે થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં પર્યટન સ્થળો પર સુરક્ષાના નિયમોની પોલ ખોલી નાખી હતી.
આગ લાગ્યાના ગણતરીના કલાકોમાં જ લુથરા બ્રધર્સ કાયદાથી બચવા માટે થાઈલેન્ડ ભાગી ગયા હતા. જોકે, ઈન્ટરપોલની 'બ્લુ કોર્નર' નોટિસ અને પાસપોર્ટ રદ થવાને કારણે તેઓ વધુ સમય સુધી ભાગી શક્યા નહીં. તેમને ભારત લાવવામાં આવ્યા બાદ દિલ્હી કોર્ટે પણ કોઈ રાહત આપી નહોતી અને અંતે ગોવા પોલીસે તેમની કસ્ટડી લીધી હતી. પિડીત પરિવારોના વકીલે કોર્ટના આ આકરા નિર્ણયને ન્યાયની જીત ગણાવી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે નાઈટક્લબમાં ઈમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, જેના કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહોતા. માપુસા કોર્ટના આજના આદેશ બાદ હવે બંને ભાઈઓએ જેલમાં જ રહેવું પડશે. આ કેસ હવે ગોવાના નાઈટ લાઈફ બિઝનેસમાં સુરક્ષા અને જવાબદારી અંગે એક ઉદાહરણરૂપ કિસ્સો બની ગયો છે.

(7:24 PM IST)