<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

કેજરીવાલ-સિસોદિયાની ‘દારૂ નીતિ’માં નવી મુસીબત: CBIએ કોર્ટમાં કહ્યું- "અમારી પાસે ગુનાના પાકા પુરાવા છે"

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ૨૭ ફેબ્રુઆરીએ આવશે મોટો નિર્ણય: ED પણ કેજરીવાલને મળેલી રાહત સામે હાઈકોર્ટમાં જશે

નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ દારૂ નીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. CBI એ કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ આરોપો ઘડવા માટે તેમની પાસે પૂરતા અને સચોટ પુરાવા ઉપલબ્ધ છે. તપાસ એજન્સીએ આ સમગ્ર કેસને એક સુનિયોજિત કાવતરું ગણાવતા કહ્યું છે કે ટ્રાયલ દરમિયાન દરેક પુરાવાનું મહત્વ સાબિત કરવામાં આવશે. બીજી તરફ, કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મામલે પોતાનો નિર્ણય ૨૭ ફેબ્રુઆરી સુધી અનામત રાખ્યો છે, જે ‘આપ’ના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ગુરુવારે ED એ દિલ્હી હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું કે નીચલી કોર્ટે સમન્સના ઉલ્લંઘન મામલે કેજરીવાલને જે ‘નિર્દોષ’ જાહેર કર્યા છે, તે નિર્ણયને તેઓ પડકારશે. એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટને જણાવ્યું કે તપાસ એજન્સી આ રાહત વિરુદ્ધ અપીલ દાખલ કરવાની તૈયારીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલે અગાઉ ED ના અનેક સમન્સને ગેરકાયદેસર ગણાવીને હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ૨૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ED નો મુખ્ય આરોપ છે કે દિલ્હીની નવી દારૂ નીતિ ચોક્કસ ખાનગી કંપનીઓને આર્થિક લાભ પહોંચાડવા માટે જ બનાવવામાં આવી હતી. એજન્સીનો દાવો છે કે મંત્રીઓના જૂથ ની જાણ બહાર જથ્થાબંધ વેપારીઓ માટે ૧૨ ટકા નફાનું માર્જિન નક્કી કરવામાં આવ્યું હતું, જે પાછળ ‘સાઉથ ગ્રુપ’ સાથેની સાંઠગાંઠ જવાબદાર હતી. વિજય નાયર નામના શખ્સે કેજરીવાલ અને સિસોદિયા વતી મધ્યસ્થી તરીકે કામ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હવે જ્યારે CBI અને ED બંને એજન્સીઓ પુરાવાઓ સાથે મેદાનમાં છે, ત્યારે ૨૭ ફેબ્રુઆરીનો દિવસ દિલ્હીના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

(7:41 PM IST)