<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

વિજય માલ્યાને હાઈકોર્ટનું અલ્ટીમેટમ: "પહેલા ભારત આવો, પછી જ તમારી દલીલો સાંભળીશું : કાયદાથી ભાગી ન શકાય"

ભાગેડુ આર્થિક ગુનેગાર (FEO) જાહેર કરવાના આદેશ સામે માલ્યાની અરજી પર સુનાવણી કરવાનો કોર્ટનો ઇનકાર: 'તમે ભારતીય ન્યાયતંત્ર પર અવિશ્વાસ ન કરી શકો' : સોલિસિટર જનરલ તુષાર મહેતાની આકરી દલીલો વચ્ચે માલ્યાને પાછા ફરવા માટે મળી છેલ્લી તક

મુંબઈ:  દારૂના માંધાતા અને હજારો કરોડનું દેવું કરીને લંડન ભેગા થઈ ગયેલા વિજય માલ્યાને બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશ ગૌતમ અંકરની બેન્ચે માલ્યાને ભારત પાછા ફરવાનો નિર્દેશ આપતા કહ્યું કે, "જો તમે પાછા ન આવી શકો, તો અમે આ અરજી સાંભળી શકીએ નહીં." માલ્યાએ પોતાને 'ભાગેડુ આર્થિક ગુનેગાર' જાહેર કરવાની કાર્યવાહી અને FEO એક્ટને પડકારતી અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને સાંભળવાની પૂર્વશરત તરીકે માલ્યાની ભારતમાં હાજરી અનિવાર્ય ગણાવી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે માલ્યા સતત કોર્ટ પ્રક્રિયાને ટાળી રહ્યા છે, જે સાંખી લેવામાં આવશે નહીં.

ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ માલ્યાના વલણ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે માલ્યાએ આ કાયદાને ત્યારે જ પડકાર્યો જ્યારે પ્રત્યાર્પણની કાર્યવાહી અંતિમ તબક્કામાં પહોંચી. મહેતાએ ભારપૂર્વક કહ્યું કે માલ્યા ભારત આવીને પોતાની તમામ વાતો સાબિત કરી શકે છે, પરંતુ તેઓ દેશના કાયદા પર અવિશ્વાસ કરીને વિદેશમાં બેઠા બેઠા ન્યાયની આશા રાખી શકે નહીં. માલ્યાએ સોગંદનામામાં બેંકોની વસૂલાતને ખોટી ગણાવી હતી, જેનો જવાબ આપતા મહેતાએ કહ્યું કે જો માલ્યા સાચા હોય તો તેમણે કોર્ટ સમક્ષ હાજર થઈને દલીલ કરવી જોઈએ.

માલ્યાના વકીલ અમિત દેસાઈએ એવી દલીલ કરી હતી કે ભારત આવ્યા વિના પણ સુનાવણીની તક આપી શકાય છે, પરંતુ હાઈકોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે માલ્યાને અગાઉ સોગંદનામું કરવા માટે આદેશ અપાયો હતો, જેમાં તેમણે જણાવવાનું હતું કે તેઓ ક્યારે પાછા આવશે, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે માલ્યા પ્રત્યે નરમાઈ બતાવતા કહ્યું, "અમે તમારી અરજી ફગાવી રહ્યા નથી, પણ તમને બીજી તક આપી રહ્યા છીએ." હવે આગામી અઠવાડિયે આ કેસની સુનાવણી થશે, જે નક્કી કરશે કે વિજય માલ્યા ભારત આવવાની તૈયારી બતાવે છે કે પછી લંડનથી જ કાયદાકીય જંગ ચાલુ રાખવાની જીદ કરે છે.

(7:42 PM IST)