હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી:ભારત અત્યારે વિશ્વની રાજનીતિના કેન્દ્રમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક મહત્વપૂર્ણ પ્રેસ બ્રીફિંગમાં અમેરિકા, રશિયા, ચીન અને કેનેડા જેવા દેશો સાથે ભારતના બદલાતા સમીકરણો પર વિગતવાર માહિતી આપી હતી. ભારતે જે રીતે દરેક મુદ્દા પર પોતાનું ‘સ્ટેન્ડ’ સ્પષ્ટ કર્યું છે, તે દર્શાવે છે કે નવી દિલ્હી હવે કોઈના પ્રભાવમાં આવ્યા વગર પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખી રહ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચે ૭ ફેબ્રુઆરીએ થયેલો વચગાળાનો વેપાર કરાર એક મોટું સીમાચિહ્ન છે. રણધીર જયસ્વાલે જણાવ્યું કે બંને દેશો હવે આ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘શાંતિ બોર્ડ’માં જોડાવા માટે ભારતને સત્તાવાર આમંત્રણ મળ્યું છે. પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટેની આ પહેલનું સ્વાગત કર્યું છે અને ભારત હાલ આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે.
રશિયા સાથેના સંબંધો પર ભારતે ફરી એકવાર મહોર મારતા કહ્યું કે, વેપારથી લઈને સંરક્ષણ સુધીના તમામ પાસાઓ પર સહયોગ વધતો રહેશે. બીજી તરફ, ચીનના વિદેશ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન સરહદ પર શાંતિ જાળવવાના મહત્વ પર ભાર મુકાયો હતો. મહત્વની વાત એ છે કે ચીને યુએન સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતની કાયમી સભ્યપદ માટેની અપેક્ષાઓનું સન્માન કરવાની તૈયારી દર્શાવી છે.
NSA અજિત ડોભાલની કેનેડા મુલાકાત બાદ બંને દેશો વચ્ચે સુરક્ષા મામલે વધુ સારા સંકલન માટે ‘સંપર્ક અધિકારીઓ’ની નિમણૂક કરવા પર સહમતિ સધાઈ છે. આનાથી માહિતીનો પ્રવાહ સરળ બનશે. બાંગ્લાદેશની ચૂંટણીઓ અંગે ભારતે કહ્યું કે અમે ત્યાં મુક્ત, ન્યાયી અને વિશ્વસનીય ચૂંટણીના પક્ષમાં છીએ અને હાલ ચૂંટણીના અંતિમ જનાદેશની રાહ જોઈ રહ્યા છીએ.
પીએમ મોદીના આમંત્રણ પર બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેઓ દિલ્હીમાં યોજાનારી બીજી ‘AI સમિટ’માં ભાગ લેશે અને ૨૧ ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. આ મુલાકાત ભારત-બ્રાઝિલ સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM