<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

જાહ્નવી કંડુલાના મોતનો ‘અમેરિકી ન્યાય’: સિએટલ શહેર વહીવટીતંત્ર પીડિત પરિવારને ₹260 કરોડનું વળતર ચૂકવશે; પોલીસ અધિકારીની બેદરકારી અને મજાક ભારે પડી

૨૦૨૩ની હૃદયદ્રાવક ઘટનામાં આખરે સમાધાન: પોલીસ કારની ટક્કરે ભારતીય દીકરીનું જીવન છીનવ્યું હતું; અધિકારીના બોડી કેમેરામાં થયેલા ‘ગંદા અટ્ટહાસ્ય’ બાદ વિશ્વભરમાં ઉઠ્યો હતો રોષ

સિએટલ (અમેરિકા) :અમેરિકાના સિએટલમાં વર્ષ ૨૦૨૩માં પોલીસ અધિકારીના વાહનની ટક્કરથી જીવ ગુમાવનારી ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની જાહ્નવી કંડુલાના પરિવારને આખરે લાંબી કાયદાકીય લડત બાદ ન્યાય મળ્યો છે. સિએટલ શહેર વહીવટીતંત્ર અને જાહ્નવીના પરિવાર વચ્ચે ૨૬૦ કરોડ રૂપિયા ($31.1 Million) ના નાણાકીય સમાધાન પર મહોર વાગી છે. આ રકમ વિદ્યાર્થીના પરિવારને વળતર રૂપે આપવામાં આવશે, જોકે શહેરના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે કોઈ પણ રકમ જાહ્નવીના જીવનની ખોટ પૂરી કરી શકશે નહીં.
શું હતી એ કાળમુખી ઘટના?: ૨૦૨૩માં નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી જાહ્નવી કંડુલા રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે પોલીસ અધિકારી કેવિન ડેવે તેને જોરદાર ટક્કર મારી હતી. અધિકારી ડ્રગ ઓવરડોઝના એક કોલનો જવાબ આપવા માટે ઇમરજન્સી લાઈટ સાથે ખૂબ જ તેજ ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે જાહ્નવીનું મોત નીપજ્યું હતું.
 જાહ્નવીના મોત બાદ સૌથી વધુ વિવાદ બીજા એક પોલીસ અધિકારી ડેનિયલ ઓર્ડરરના બોડી કેમેરાના રેકોર્ડિંગથી થયો હતો. આ વીડિયોમાં અધિકારી હસતા હસતા કહેતો સંભળાયો હતો કે, "જાન્વીના જીવનનું મૂલ્ય મર્યાદિત છે અને શહેરે ફક્ત ચેક લખીને મામલો પતાવવો જોઈએ." આ સંવેદનહીન ટિપ્પણી બાદ ભારત સરકાર અને વિશ્વભરના ભારતીય સમુદાયે ભારે વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે, તે અધિકારીને બરતરફ કરવામાં આવ્યો હતો.
સિટી એટર્ની એરિકા ઇવાન્સે જણાવ્યું હતું કે, "જાન્વી કંડુલાના જીવનનું મૂલ્ય હતું અને તે આપણા સમુદાય માટે મહત્વપૂર્ણ હતી. અમને આશા છે કે આ નાણાકીય સમાધાન તેના પરિવારને થોડી સાંત્વના આપશે." અકસ્માત સર્જનાર ડ્રાઇવર અધિકારીને પણ પોલીસ વિભાગમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે અને તેના પર બેદરકારીથી વાહન ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં થયેલા આ સમાધાન બાદ હવે આ કેસનો અંત આવ્યો છે, પરંતુ તે અમેરિકામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને પોલીસની જવાબદારી પર મોટા સવાલો છોડી ગયો છે

(8:30 PM IST)