હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનોજ બાજપેયીની ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ પર સુપ્રીમ કોર્ટનો હથોડો: નિર્માતા નીરજ પાંડેને સખત ઠપકો આપતા કહ્યું- ‘અભિવ્યક્તિની આઝાદીના નામે સમાજમાં ભાગલા ન પાડો’
વિવાદાસ્પદ શીર્ષકને કારણે ફિલ્મની રિલીઝ અટકી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સેન્સર બોર્ડને નોટિસ ફટકારી; બ્રાહ્મણ સમુદાયના વિરોધ બાદ નિર્માતાઓએ નામ બદલવાની તૈયારી બતાવી

નવી દિલ્હી:બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની નવી ફિલ્મ "ઘૂસખોર પંડિત" અત્યારે રૂપેરી પડદે આવતા પહેલા જ કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ ફિલ્મના શીર્ષક સામે લાલ આંખ કરી છે અને જાણીતા ફિલ્મ નિર્માતા નીરજ પાંડેને આકરો ઠપકો આપ્યો છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈ પણ ચોક્કસ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈની પાસે નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, કલમ 19(1)(a) હેઠળ મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણ નથી. કોર્ટે પ્રશ્ન કર્યો કે, "આપણા દેશમાં વિવિધ ધર્મો અને જાતિના લોકો વસે છે, તો પછી કોઈ એક વર્ગને બદનામ કરતું શીર્ષક કેમ રાખવામાં આવ્યું? જ્યારે સમાજમાં પહેલેથી જ વિભાજન છે, ત્યારે તમે તેને વધુ કેમ વધારી રહ્યા છો?" સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડ (CBFC) અને નિર્માતાઓને નોટિસ પાઠવી છે.
કાયદાકીય દબાણ વધતા ફિલ્મ નિર્માતાઓએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ ફિલ્મનું નામ બદલી રહ્યા છે. ફિલ્મના વિવાદાસ્પદ ટીઝર અને પ્રમોશનલ સામગ્રીને સોશિયલ મીડિયા પરથી હટાવી લેવામાં આવી છે. નિર્માતાઓએ દલીલ કરી હતી કે આ ફિલ્મ એક પોલીસ ડ્રામા છે અને તેમાં કોઈ પૂજારી કે પંડિતનું પાત્ર નથી, પરંતુ જસ્ટિસ નાગરત્નાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "પોલીસ ડ્રામા માટે આવું શીર્ષક કેમ? નવું નામ જણાવો, નહીંતર અમે ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં."
નેટફ્લિક્સ પર આવનારી આ ફિલ્મનું ટીઝર ૩ ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું, જેમાં મનોજ બાજપેયીને એક ભ્રષ્ટ પોલીસ અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યો છે. શીર્ષકમાં "પંડિત" શબ્દની સાથે "ઘૂસખોર" વિશેષણ વાપરવા સામે બ્રાહ્મણ સમુદાયે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ઠેર-ઠેર રસ્તાઓ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. હવે આ મામલે આગામી સુનાવણી ૧૯ ફેબ્રુઆરીએ થશે, જેમાં નિર્માતાઓ ફિલ્મના નવા નામની સત્તાવાર જાહેરાત કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
