<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બેંકોની ‘મનમાની’ પર RBIની લાલ આંખ: હવે ગમે ત્યારે સેલ્સ કોલ નહીં આવે, સવારે 9 થી સાંજે 6 સુધીનો જ સમય; પ્રોડક્ટ પધરાવી દીધી હશે તો મળશે ફૂલ રિફંડ

ડાર્ક પેટર્ન અને બળજબરીથી વીમો પધરાવવાનો ખેલ હવે ખતમ: લોન સાથે મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય સ્કીમ માટે હવે બેંકો દબાણ નહીં કરી શકે; 1લી જુલાઈથી નવા કડક નિયમોનો અમલ

નવી દિલ્હી: શું તમે પણ બેંકોના અવારનવાર આવતા સેલ્સ કોલ કે લોન સાથે બળજબરીથી વીમો પધરાવવાની આદતથી પરેશાન છો? જો હા, તો RBI તમારા માટે ખુશખબર લઈને આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય ઉત્પાદનોના 'મિસ-સેલિંગ' (ખોટી રીતે વેચાણ) ને રોકવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે, જે ગ્રાહકોને બેંકિંગ માફિયાઓ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી સુરક્ષિત રાખશે.
સમયની મર્યાદા અને ગ્રાહકની મરજી
નવા નિયમો મુજબ, હવે કોઈપણ બેંક કર્મચારી કે એજન્ટ તમને રાત્રે કે વહેલી સવારે કોલ કરીને પરેશાન કરી શકશે નહીં. સેલ્સ કોલ કે મુલાકાત માટે માત્ર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જો ગ્રાહકે પરવાનગી આપી હશે તો જ એજન્ટ તેમની મુલાકાત લઈ શકશે.
બળજબરીથી વીમો વેચવો હવે ગુનો
ઘણીવાર જોવા મળે છે કે બેંક લોન મંજૂર કરવાના બદલામાં ગ્રાહકને વીમો કે અન્ય રોકાણ પ્લાન લેવા મજબૂર કરે છે. જેને 'બંડલિંગ' કહેવાય છે. RBI એ હવે આ ફરજિયાત બંડલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. જો ગ્રાહકને એકથી વધુ પ્રોડક્ટ વેચવામાં આવી રહી હોય, તો દરેક માટે અલગથી લેખિત સંમતિ લેવી પડશે. ગેરમાર્ગે દોરતી એપ્લિકેશન ડિઝાઇન એટલે કે 'ડાર્ક પેટર્ન' (જેમ કે અગાઉથી ટીક કરેલા બોક્સ) નો ઉપયોગ હવે કરી શકાશે નહીં.
ખોટા વેચાણ પર વળતરની જોગવાઈ
જો કોઈ બેંક કે NBFC ગ્રાહકને ગેરમાર્ગે દોરીને કોઈ પ્રોડક્ટ વેચશે, તો તેણે ગ્રાહકને પૂરેપૂરી રકમ રિફંડ કરવી પડશે અને સાથે વળતર પણ ચૂકવવું પડશે. દરેક વેચાણના 30 દિવસની અંદર સંસ્થાએ ગ્રાહકનો પ્રતિસાદ (ફીડબેક) લેવો ફરજિયાત રહેશે.
ક્યારથી અમલમાં આવશે?
RBI એ આ ડ્રાફ્ટ પર 4 માર્ચ સુધી સૂચનો માંગ્યા છે અને આ નવા નિયમો 1 જુલાઈ, 2026 થી અમલમાં આવવાની શક્યતા છે. આ નિયમો નાની-મોટી તમામ બેંકો, સહકારી બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને સમાન રીતે લાગુ પડશે.

(9:00 PM IST)