News of Thursday, 12th February 2026
બંગાળમાં મતદાર યાદી સુધારણા પર મોટો વિવાદ: કોલકાતાની 4 બેઠકો પર મુસ્લિમ નામો ‘ટાર્ગેટ’ થયાનો અભ્યાસમાં દાવો; વસ્તીના પ્રમાણ કરતા યાદીમાં 3 ગણા વધુ નામ
લોજિકલ વિસંગતતાના નામે લઘુમતી મતદારોને દૂર કરવાનું ષડયંત્ર? સાબર સંસ્થાના રિપોર્ટે મચાવ્યો ખળભળાટ; મમતા બેનર્જીના મતક્ષેત્ર ભવાનીપુરમાં જ મુસ્લિમ નામોનું પ્રમાણ 52% નોંધાયું

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને કોલકાતામાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સુધારણા (SIR) કવાયતમાં "આઘાતજનક વિસંગતતા" સામે આવી છે. એક નવા અભ્યાસ મુજબ, કોલકાતાની ચાર મહત્વની વિધાનસભા બેઠકો પર 'લોજિકલ વિસંગતતા' (Logical Discrepancy - LD) ની યાદીમાં મુસ્લિમ નામો અપ્રમાણસર રીતે દર્શાવવામાં આવ્યા છે, જેનાથી મોટા પાયે મતદારોના નામ કમી થવાની ભીતિ સેવાઈ રહી છે.
વસ્તી ઓછી, પણ યાદીમાં નામોનો ભરાવો
સામાજિક અસમાનતા પર કામ કરતી સંસ્થા 'સાબર' ના સંશોધન મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના મતક્ષેત્ર ભવાનીપુર સહિત બાલીગંજ, કોલકાતા પોર્ટ અને મેટિયાબ્રુઝમાં સ્થિતિ ચિંતાજનક છે. ભવાનીપુરમાં મુસ્લિમોની વસ્તી અંદાજે ૨૦ ટકા છે, પરંતુ શંકાસ્પદ મતદારોની 'LD' યાદીમાં તેમનો હિસ્સો ૫૨ ટકા સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે બાલીગંજમાં વસ્તી ૫૦ ટકા હોવા છતાં યાદીમાં ૭૭.૫ ટકા નામો મુસ્લિમ ઓળખ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે.
ટેકનિકલ ભૂલ કે રાજકીય રમત?
તાર્કિક વિસંગતતા એટલે કે માતા-પિતાના નામમાં ભૂલ અથવા ઉંમરમાં અસામાન્ય તફાવત હોવો. સંશોધક આશીન ચક્રવર્તીએ મશીન લર્નિંગ મોડેલ દ્વારા ડેટા વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, અગાઉની મૃત કે સ્થળાંતરિત મતદારોની યાદીમાં આવો કોઈ પક્ષપાત નહોતો, પરંતુ આ નવી યાદીમાં લઘુમતી નામો તેમના વસ્તી હિસ્સા કરતા ૨ થી ૩ ગણા વધારે દેખાઈ રહ્યા છે. આ તારણો બાદ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
૫૮ લાખથી વધુ મતદારો યાદીમાંથી બહાર
પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણાના પ્રથમ તબક્કા બાદ રાજ્યના કુલ મતદારોની સંખ્યા ૭.૬૬ કરોડથી ઘટીને ૭.૦૮ કરોડ થઈ ગઈ છે, એટલે કે ૫૮.૨ લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે. ભાજપે આ પ્રક્રિયાને 'નિયમિત અને પારદર્શક' ગણાવી છે, જ્યારે ટીએમસીએ તેને લઘુમતીઓ અને શહેરી ગરીબોને હેરાન કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. કોલકાતા પોર્ટ અને મેટિયાબ્રુઝ જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ૮૨% થી ૮૭% નામો આ શ્રેણીમાં મુકાતા આગામી ચૂંટણીના પરિણામો પર તેની મોટી અસર પડી શકે છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
