<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ભાજપના ધારાસભ્ય બાયરથી બસવરાજને સુપ્રીમ કોર્ટનો ઝટકો: આગોતરા જામીન નકારતા CJIએ કહ્યું- ‘જાહેર સેવક છો તો હિંમત રાખો અને ટ્રાયલનો સામનો કરો’

રાઉડી-શીટર ‘બિકલુ શિવા’ હત્યા કેસમાં ધારાસભ્યની મુશ્કેલીઓ વધી: કોલ રેકોર્ડ્સે ખોલી પોલ, આરોપી સાથેના સંબંધો છુપાવવા બદલ સુપ્રીમ કોર્ટ નારાજ; CIDએ શોધખોળ તેજ કરી

નવી દિલ્હી: કર્ણાટક ભાજપના કદાવર ધારાસભ્ય બાયરથી બસવરાજ માટે કાયદાકીય મોરચે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. કુખ્યાત રાઉડી-શીટર બિકલુ શિવાની હત્યાના કેસમાં સંડોવાયેલા બસવરાજની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે ધારાસભ્યને સીધી શિખામણ આપતા કહ્યું કે, "તમે જાહેર સેવક છો, ડરવાને બદલે હિંમત બતાવો અને ટ્રાયલનો સામનો કરો."
કોલ રેકોર્ડ્સે ખેલ બગાડ્યો
સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ ધારાસભ્યના વલણ સામે કડક નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેઓ કેસના મુખ્ય આરોપીને બિલકુલ ઓળખતા નથી. જોકે, કોર્ટે ટકોર કરી કે તમારા કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ (CDR) કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. આરોપી સાથે સતત સંપર્કમાં હોવા છતાં તેને ન ઓળખવાનું ‘ટાળી શકાય તેવું વલણ’ જામીન નકારવાનું મુખ્ય કારણ બન્યું છે.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદની જડ ૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બનેલી એક લોહિયાળ ઘટનામાં છે. બિકલુ શિવા તરીકે ઓળખાતા બસવરાજ શિવપ્રકાશની જમીન વિવાદને કારણે તેના ઘરની બહાર જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના કાવતરામાં ધારાસભ્ય બાયરથી બસવરાજનું નામ સામે આવતા રાજકીય ગરમાવો આવ્યો હતો. અગાઉ કર્ણાટક હાઈકોર્ટે પણ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
CID હવે લેશે એક્શન
સુપ્રીમ કોર્ટે હવે બસવરાજને નિયમિત જામીન માટે અરજી કરવા સૂચવ્યું છે, જેનો અર્થ છે કે તેમણે પહેલા શરણાગતિ સ્વીકારવી પડશે અથવા પોલીસ કસ્ટડીમાં જવું પડશે. બીજી તરફ, કર્ણાટક ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ ધારાસભ્યની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને તરફથી દરવાજા બંધ થતા હવે બસવરાજ પાસે કાયદાના શરણે જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

(8:52 PM IST)