હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંધશ્રદ્ધાનો લોહીયાળ ખેલ: જાદુટોણાની શંકામાં નરબલિ જેવું જઘન્ય કૃત્ય, પૂજામાં બોલાવી યુવકે પાડોશી પુરુષ અને મહિલાના માથા કાપી નાખ્યા
સિંગરૌલીના અતરવા ગામમાં વહેલી સવારે ખેલાયું મોતનું તાંડવ: પત્નીના ગર્ભપાતથી માનસિક સંતુલન ગુમાવનાર યુવકે દેવીને પ્રસન્ન કરવા હથિયાર ઉઠાવ્યું; વચ્ચે પડનાર અન્ય બે લોકો પણ ગંભીર ઈજાગ્રસ્ત

સિંગરૌલી:મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાંથી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અતરવા ગામમાં ગુરુવારની વહેલી સવારે ૨૧ વર્ષીય યુવક છત્રપતિ સિંહે પાડોશમાં રહેતા એક પુરુષ અને મહિલાની નિર્મમ હત્યા કરી છે. આરોપીએ અંધશ્રદ્ધામાં આવીને તીક્ષ્ણ હથિયાર વડે બંનેના માથા કાપી નાખ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આરોપી છત્રપતિએ બે દિવસ પહેલા ઘરની બહાર માટીનો ચબુતરો બનાવ્યો હતો અને પડોશીઓને સવારે પૂજામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. સવારે ૪ થી ૫ વાગ્યાની વચ્ચે જ્યારે ૬૫ વર્ષીય કેમલા સિંહ અને ૫૦ વર્ષીય ફૂલ કુમારી સિંહ પૂજા માટે પહોંચ્યા, ત્યારે આરોપીએ અચાનક તીક્ષ્ણ હથિયાર કાઢી તેમના પર હુમલો કર્યો હતો. બચાવવા માટે આવેલા સુમિત્રા સિંહ અને રામભજન સિંહ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીની પત્નીનો થોડા સમય પહેલા ગર્ભપાત થયો હતો. આ ઘટના બાદ છત્રપતિ માનસિક તણાવમાં હતો અને તેને વહેમ હતો કે કોઈએ જાદુટોણો કર્યો છે અથવા દેવી માતા તેના પર ગુસ્સે છે. તેને લાગ્યું કે પૂજા અને બલિ ચડાવવાથી બધું ઠીક થઈ જશે. ઘટનાસ્થળેથી નારિયેળ, અગરબત્તી અને અન્ય પૂજા સામગ્રી પણ મળી આવી છે, જે સ્પષ્ટપણે મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા તરફ ઈશારો કરે છે.
એસપી મનીષ ખત્રીએ જણાવ્યું કે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે કે શું આમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે કેમ. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ દુનિયા વિજ્ઞાનમાં આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાના ઘેરા અંધકારને છતી કરે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
