<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

રાજપાલ યાદવની મુશ્કેલીમાં નવો વળાંક: ‘મેં અડધા પૈસા ચૂકવી દીધા છે...’ - વકીલના દાવા છતાં જેલના સળિયા પાછળ કેમ છે કોમેડી કિંગ?

૫ કરોડના ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવનું આત્મસમર્પણ: ૨૦૧૦ની ફિલ્મ ‘આતા પતા લપતા’ ની લોન હવે અભિનેતા માટે બની આફત; જાણો સોમવારે મળનારી રાહત કે સજાનું પૂરું ગણિત

નવી દિલ્હી: પોતાની અનોખી અદાકારીથી લાખો લોકોને હસાવનાર અભિનેતા રાજપાલ યાદવ અત્યારે પોતે ગંભીર સંકટમાં છે. વર્ષો જૂના કરોડો રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટના કડક વલણ બાદ રાજપાલ યાદવે પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડ્યું છે. જોકે, આ દરમિયાન તેમના વકીલે કોર્ટમાં એક મોટો દાવો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. વકીલ ભાસ્કર ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, વિવાદિત ₹૫ કરોડની રકમમાંથી લગભગ ₹૨.૫ કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે.
 આ વિવાદ ૨૦૧૦માં આવેલી રાજપાલ યાદવની ફિલ્મ "આતા પતા લપતા" ના નિર્માણ માટે લેવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે. પૈસા પાછા ન ચૂકવાતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ૨૦૧૮માં મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને અને તેમની પત્નીને ૬ મહિનાની કેદની સજા ફટકારી હતી. વર્ષો સુધી ચાલેલી કાયદાકીય લડત બાદ ૨૦૨૪માં હાઈકોર્ટે સજા પર સ્ટે મૂક્યો હતો, પરંતુ શરત એ હતી કે રકમની ચુકવણી કરીને સમાધાન કરવામાં આવે.
કોર્ટે રાજપાલ યાદવને સમાધાન કરવા માટે અનેક તકો આપી હતી, પરંતુ વારંવાર વિલંબ અને શરતોનું પાલન ન થતા ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે વારંવાર તક આપવા છતાં ઠોસ પ્રગતિ ન થતા કડક વલણ અપનાવવું અનિવાર્ય છે. હવે વકીલનો દાવો છે કે અડધા પૈસા ચૂકવાઈ ગયા છે અને બાકીની પ્રક્રિયા ચાલુ છે, છતાં જેલમાંથી બહાર આવવા માટે હજુ કાયદાકીય મંજૂરી મળી નથી.
 રાજપાલ યાદવના વકીલે જણાવ્યું છે કે તેઓ જેલમાં જઈને અભિનેતા સાથે મુલાકાત કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. સોમવારે થનારી આગામી સુનાવણી ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. જો કોર્ટને લાગશે કે ખરેખર ચુકવણીની પ્રક્રિયા પ્રામાણિકતાથી આગળ વધી રહી છે, તો જ ‘કોમેડી કિંગ’ને રાહત મળી શકે છે, અન્યથા જેલવાસ લંબાઈ શકે છે

(9:19 PM IST)