<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

યુવા પેઢીમાં જાગ્યો ‘ગોલ્ડ’ ક્રેઝ: મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટોને પછાડી સોનું બન્યું Gen Z ની પહેલી પસંદ; ₹25,000 ના રોકાણ માટે 62% યુવાનોનો સોના પર ભરોસો

સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: હવે લગ્ન નહીં પણ ‘પહેલા પગાર’ થી સોનું ખરીદી રહ્યા છે યુવાનો; 2 થી 5 ગ્રામના સિક્કા અને હળવી જ્વેલરીમાં રોકાણનો નવો ટ્રેન્ડ, જાણો શું કહે છે આંકડા

નવી દિલ્હી:આજની ટેક-સેવી પેઢી એટલે કે 'Gen Z' અને મિલેનિયલ્સ વિશે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તેઓ માત્ર સ્ટોક માર્કેટ કે ક્રિપ્ટોમાં જ રસ ધરાવે છે. પરંતુ એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં આ માન્યતા ખોટી સાબિત થઈ છે. 'સ્મિટેન પલ્સએઆઈ' દ્વારા 5,000 યુવાનો પર કરવામાં આવેલા સર્વે મુજબ, આર્થિક અનિશ્ચિતતાના સમયમાં આજની પેઢી ફરી એકવાર પરંપરાગત રોકાણ એટલે કે સોના તરફ વળી રહી છે. 62% યુવાનોએ સ્વીકાર્યું છે કે સોનું જ સૌથી સલામત રોકાણ છે.
જ્યારે યુવાનોને પૂછવામાં આવ્યું કે જો તેમની પાસે ₹25,000 હોય તો તેઓ ક્યાં રોકાણ કરશે, ત્યારે આશ્ચર્યજનક રીતે 61.9% લોકોએ સોના પર પસંદગી ઉતારી. તેની સામે મ્યુચ્યુઅલ ફંડ (16.6%), ફિક્સ્ડ ડિપોઝિટ (13%) અને શેરબજાર (6.6%) ઘણું પાછળ રહી ગયું. માત્ર 1.9% યુવાનોએ જ ક્રિપ્ટોમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી હતી. આ આંકડા સાબિત કરે છે કે સુરક્ષાની બાબતમાં સોનાનું સ્થાન હજુ પણ અકબંધ છે.
 હવે સોનું ખરીદવા માટે કોઈ ખાસ પ્રસંગ કે લગ્નની રાહ જોવામાં આવતી નથી. સર્વે મુજબ, 24.3% યુવાનોએ તેમના પ્રથમ પગારમાંથી સોનું ખરીદ્યું છે. રોકાણ કરવાની રીત પણ બદલાઈ છે; હવે લોકો કિલોમાં નહીં પણ 2 થી 5 ગ્રામની નાની માત્રામાં સોનું ખરીદવાનું પસંદ કરે છે. લગભગ 34.4% લોકોએ 2 થી 5 ગ્રામ વચ્ચેની ખરીદી કરી છે, જે દર્શાવે છે કે સોનું હવે એક લવચીક સેવિંગ્સ ટૂલ બની ગયું છે.
 ભલે દુનિયા ડિજિટલ થઈ ગઈ હોય, પણ સોનું ખરીદવા માટે યુવાનો આજે પણ ભૌતિક સ્ટોર્સ પર વધુ ભરોસો રાખે છે. 38.3% લોકો બ્રાન્ડેડ શોરૂમ પસંદ કરે છે, જ્યારે 34.7% સ્થાનિક જ્વેલર્સ પાસે જવાનું પસંદ કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર માત્ર 5.2% લોકોએ જ વિશ્વાસ બતાવ્યો છે, જેનું મુખ્ય કારણ શુદ્ધતા અને છુપાયેલા ચાર્જિસની ચિંતા છે.
માહિતીના અભાવે કેટલાક લોકોને સોનું ખરીદ્યા પછી અફસોસ પણ થયો છે, છતાં 84% યુવાનોએ આગામી 1 થી 2 વર્ષમાં ફરીથી સોનું ખરીદવાની યોજના બનાવી છે. સ્પષ્ટ છે કે, બદલાતા સમય સાથે ખરીદીની પદ્ધતિ બદલાઈ છે, પણ સોનાની ચમક આજની પેઢી માટે પણ 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' જ રહી છે.

(9:28 PM IST)