હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

પટના: બિહારની રાજધાની પટનામાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે સીસીટીવી કેમેરાએ જાણે ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી હોય તેવો ઘાટ સર્જાયો છે. એક્ઝિબિશન રોડ ચોકડી પર જ્યારે ટ્રાફિક પોલીસે ચેકિંગ હાથ ધર્યું ત્યારે એક અત્યંત જર્જરિત હાલતમાં રહેલા ૨૦૧૨ મોડેલના સ્કૂટરને રોકવામાં આવ્યું. પ્રથમ દૃષ્ટિએ આ સ્કૂટર સામાન્ય ભંગાર જેવું લાગતું હતું, પરંતુ જ્યારે પોલીસે તેની નંબર પ્લેટ પરથી ઓનલાઇન રેકોર્ડ ચેક કર્યો ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. આ સ્કૂટર પર એક-બે નહીં પણ હજારો રૂપિયાના બાકી ચલણ બોલતા હતા અને કુલ રકમ ₹૧,૪૩,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી. આ રકમ સ્કૂટરની હાલની અંદાજિત કિંમત (૫,૦૦૦ રૂપિયા) કરતા ૨૮ ગણી વધારે છે!
પરિવહન વિભાગના ડેટાબેઝ મુજબ, આ સ્કૂટરનો વીમો છેક ૨૦૧૩થી રિન્યૂ કરવામાં આવ્યો નહોતો અને તેનું પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) પણ ૨૦૨૧માં સમાપ્ત થઈ ગયું હતું. આટલું જ નહીં, વાહન પર હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) પણ લગાડવામાં આવી નહોતી. તેમ છતાં, માલિક બિન્દાસપણે આ સ્કૂટર પટનાના ગીચ રસ્તાઓ પર હંકારી રહ્યો હતો. સીસીટીવી કેમેરા દ્વારા સમયાંતરે નિયમ ભંગ બદલ ઈ-ચલણ જનરેટ થતા રહ્યા, પરંતુ માલિકે ક્યારેય ઓનલાઇન પોર્ટલ તપાસવાની તસ્દી ન લીધી. અંતે જ્યારે દંડની રકમ ૧.૫ લાખની નજીક પહોંચી ત્યારે જ આ અજીબોગરીબ રેકોર્ડ પોલીસના ધ્યાને આવ્યો.
ટ્રાફિક પોલીસે હાલમાં આ મોંઘાદાટ દંડવાળું ‘સસ્તું’ સ્કૂટર જપ્ત કરી લીધું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ૧૪ વર્ષ જૂનું આ વાહન ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતું હતું અને તેની ફિટનેસ પણ ૨૦૨૭માં પૂરી થવાની છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં પણ જેની કોઈ કિંમત નથી, તેવા વાહન માટે માલિક હવે આટલો મોટો દંડ ભરશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આ કિસ્સો એવા વાહનચાલકો માટે મોટી ચેતવણી છે જેઓ ઈ-ચલણને હળવાશથી લે છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે સમયસર દંડ ભરો અને વાહનના દસ્તાવેજો અપડેટ રાખો, નહીંતર વાહન કરતા દંડની રકમ વધી જશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM