હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇમરાન ખાન પર જેલમાં ‘સ્લો પોઇઝનિંગ’ જેવો અત્યાચાર? : જમણી આંખની ૮૫% દ્રષ્ટિ ગુમાવી : પાકિસ્તાનમાં ખળભળાટ
કોર્ટ દ્વારા નિયુક્ત રિપોર્ટમાં અડિયાલા જેલની ભયાનકતાનો પર્દાફાશ: ૨ વર્ષથી એકલતામાં બંધ ખાનને ડોક્ટર કે વકીલને મળવાની પણ મનાઈ : પત્ની સાથે અઠવાડિયે માત્ર ૩૦ મિનિટની મુલાકાત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ના વડા ઇમરાન ખાનની તબિયતને લઈને એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક અહેવાલ સામે આવ્યો છે. કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરી સલમાન સફદરના રિપોર્ટ અનુસાર, અડિયાલા જેલમાં બંધ ૭૩ વર્ષીય ઇમરાન ખાને તેમની જમણી આંખની ૮૫ ટકા દ્રષ્ટિ ગુમાવી દીધી છે. ઓક્ટોબર ૨૦૨૫ સુધી જે નેતાની દ્રષ્ટિ એકદમ સામાન્ય હતી, તેમને મહિનાઓ સુધી યોગ્ય સારવાર ન મળતા આંખમાં લોહીનો ગંઠો જામી ગયો અને હવે માત્ર ૧૫ ટકા જ દેખાય છે. ઇમરાન ખાનના સમર્થકો આને પાકિસ્તાની લશ્કરી શાસન દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલો 'અમાનવીય ત્રાસ' ગણાવી રહ્યા છે.
જેલની દિવાલો પાછળ ઇમરાન ખાન જે યાતનાઓ ભોગવી રહ્યા છે તે લોકશાહી માટે શરમજનક છે. છેલ્લા ૨ વર્ષ અને ૪ મહિનાથી તેમને સંપૂર્ણપણે એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે, જેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ખાનને તેમના અંગત ડોક્ટર કે દંત ચિકિત્સકને મળવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. એટલું જ નહીં, તેઓ પોતાની બહેનોને મળી શકતા નથી અને વર્ષ ૨૦૨૫ માં તેમને તેમના પુત્રો સાથે માત્ર બે વાર જ ફોન પર વાત કરવા દેવામાં આવી હતી. પત્ની બુશરા બીબી સાથેની અઠવાડિયે ૩૦ મિનિટની મુલાકાત પણ કડક પહેરા હેઠળ થાય છે.
સૌથી ગંભીર બાબત એ છે કે ઇમરાન ખાનને તેમના કાનૂની બચાવ માટે વકીલો સાથે મળવાથી પણ વંચિત રાખવામાં આવ્યા છે. સલમાન સફદરે જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે ઇમરાન ખાન અત્યંત વ્યથિત હાલતમાં હતા અને વારંવાર પોતાની ભીની આંખો લૂછી રહ્યા હતા. તેમણે લાચારી વ્યક્ત કરતા કહ્યું કે હવે તેમને દુનિયાની કોઈ લક્ઝરી નહીં પણ માત્ર જીવતા રહેવા માટેની મૂળભૂત સુવિધાઓ જ જોઈએ છે. પાકિસ્તાનમાં માનવાધિકારના ચીંથરા ઉડતા જોઈને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ ચર્ચાઓ તેજ થઈ છે કે શું ઇમરાન ખાનને જેલમાં જ ખતમ કરી દેવાનું આ કોઈ મોટું કાવતરું છે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
