<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

બાંગ્‍લાદેશમાં ‘પરિવર્તન'ની લહેરઃ તારિક રહેમાનની ઐતિહાસિક જીત પર પીએમ મોદીએ પાઠવ્‍યા અભિનંદન

દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્‍યાયની શરૂઆત થવાની આશા : લોકશાહી અને સ્‍થિરતા માટે ભારતનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી

 

ઢાકા, તા.૧૩: બાંગ્‍લાદેશમાં લાંબા સમય સુધી ચાલેલી રાજકીય અસ્‍થિરતા અને વચગાળાની સરકારના શાસન બાદ આખરે લોકશાહીનો સૂર્યોદય થયો છે. ગુરુવારે યોજાયેલી ૧૩મી સામાન્‍ય ચૂંટણીના પરિણામોમાં તારિક રહેમાનના નેતળત્‍વ હેઠળની બાંગ્‍લાદેશ નેશનાલિસ્‍ટ પાર્ટી એ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્‍યો છે. આ ઐતિહાસિક જીત બાદ ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર તારિક રહેમાનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્‍યા હતા. પીએમ મોદીએ તેમના સંદેશમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ભારત હંમેશા એક લોકશાહી, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્‍લાદેશના સમર્થનમાં અડીખમ ઊભું રહેશે, જે બંને દેશો વચ્‍ચેના ભવિષ્‍યના મજબૂત સંબંધોનો સંકેત આપે છે.

બીએનપીની આ જીત અનેક રીતે ખાસ છે, કારણ કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વિદાય બાદ આ પ્રથમ મોટી ચૂંટણી હતી. તારિક રહેમાન, જેઓ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર છે, તેઓ આશરે ૧૭ વર્ષના લાંબા દેશનિકાલ બાદ ભારત અને અન્‍ય પાડોશી દેશો સાથેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે તૈયાર દેખાય છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે આ જીત બાંગ્‍લાદેશના લોકોનો રહેમાનના નેતળત્‍વમાં અતૂટ વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાને ઉમેર્યું કે તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને સંયુક્‍ત વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે નવી સરકાર સાથે ખભેખભો મિલાવીને કામ કરવા આતુર છે.

પરિણામોની વિગતો મુજબ, ૩૦૦ સભ્‍યોની સંસદમાં બીએનપીએ ૧૫૧નો જાદુઈ આંકડો પાર કરી લીધો છે અને કેટલીક બેઠકો પર હજુ મતગણતરી ચાલુ છે. અવામી લીગની ગેરહાજરીમાં આ ચૂંટણી મુખ્‍યત્‍વે બીએનપી અને જમાત-એ-ઇસ્‍લામી વચ્‍ચેનો જંગ બની રહી હતી, જેમાં જનતાએ સ્‍પષ્ટપણે તારિક રહેમાનના બાંગ્‍લાદેશ ફર્સ્‍ટ વિઝનને સ્‍વીકાર્યું છે. ઓગસ્‍ટ ૨૦૨૪ થી કાર્યરત મુહમ્‍મદ યુનુસની વચગાળાની સરકાર હવે સત્તાનું હસ્‍તાંતરણ કરશે. તારિક રહેમાને પોતાની જીત બાદ વિજય સરઘસો કાઢવાને બદલે દેશમાં શાંતિ અને ખાસ પ્રાર્થનાઓ કરવાનું આહ્વાન કરીને એક જવાબદાર નેતા તરીકેની છબી રજૂ કરી છે.

દક્ષિણ એશિયાના રાજકારણ માટે આ ઘટનાક્રમ ખૂબ જ મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે છેલ્લા કેટલાક સમયથી વચગાળાના શાસન દરમિયાન જે તણાવ જોવા મળ્‍યો હતો, તેને દૂર કરવા માટે પીએમ મોદીની આ ત્‍વરિત પ્રતિક્રિયા એક માસ્‍ટરસ્‍ટ્રોક સાબિત થઈ શકે છે. ભારત બાંગ્‍લાદેશમાં સુરક્ષા, વેપાર અને કનેક્‍ટિવિટીના મુદ્દે અત્‍યંત સંવેદનશીલ છે. હવે જ્‍યારે નવા નેતળત્‍વ હેઠળ બાંગ્‍લાદેશ એક નવી સફર શરૂ કરી રહ્યું છે, ત્‍યારે ભારતની મિત્રતાની આ ખાતરી દક્ષિણ એશિયામાં સ્‍થિરતા અને આર્થિક સહયોગ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. (રર.૪)

(11:34 AM IST)