News of Friday, 13th February 2026
ભટિંડામાં 'શ્રદ્ધા હત્યાકાંડ' જેવી ક્રૂરતા: પ્રેમિકાની હત્યા કરી લાશ લાલ સુટકેસમાં ભરી સળગાવી દીધી, ૩ દિવસ બાદ કસાઈ પ્રેમી ઝબ્બે!
માલૌટ રોડ પર મળેલી બિનવારસી સુટકેસમાંથી ખૂલી ક્રૂરતાની કથા; લિવ-ઈન પાર્ટનરે જ મલિકાને મોતને ઘાટ ઉતારી પુરાવા નાશ કરવા રચ્યું હતું ષડયંત્ર

ભટિંડા: તા. ૧૩ પંજાબના ભટિંડામાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમના નામે એક યુવતીનો કરુણ અંત આવ્યો છે. ભટિંડા પોલીસે માલૌટ રોડ પર એક લાલ રંગની સુટકેસમાંથી મળી આવેલી અડધી સળગેલી લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જેની સાથે યુવતીએ પોતાનું ઘર છોડીને નવું જીવન શરૂ કરવાનું સપનું જોયું હતું, તે પ્રેમી જ તેનો કસાઈ નીકળ્યો.
સુટકેસમાંથી મળી આવી હતી લાશ
ત્રણ દિવસ પહેલા માલૌટ રોડ પરથી પસાર થતા લોકોએ એક શંકાસ્પદ લાલ રંગની સુટકેસ જોઈ હતી, જેમાંથી દુર્ગંધ આવી રહી હતી. પોલીસને જાણ કરતા જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે અંદર યુવતીની સળગાવેલી હાલતમાં લાશ જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. હત્યારાએ ઓળખ છુપાવવા માટે લાશને સુટકેસમાં પેક કર્યા બાદ તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસમાં પ્રેમીની સંડોવણી ખુલી
પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ગુમ થયેલી યુવતીઓની વિગતો તપાસી. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતીનું નામ મલિકા હતું અને તે તેના પ્રેમી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. જ્યારે પોલીસે કથિત પ્રેમીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી, ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
કેમ કરી હત્યા?
પ્રાથમિક તપાસ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. આ ઝઘડાઓએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આરોપીએ આવેશમાં આવીને મલિકાનું ગળું દબાવી હત્યા કરી દીધી. ત્યારબાદ લાશનો નિકાલ કરવા માટે તેણે ફિલ્મી સ્ટાઈલમાં લાલ સુટકેસનો ઉપયોગ કર્યો અને પુરાવાનો નાશ કરવા માટે હાઈવે પર તેને સળગાવી દીધી હતી.
હાલ ભટિંડા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં લિવ-ઈન રિલેશનશિપમાં સુરક્ષા અને વિશ્વાસ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
