<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

AIMIM નેતાના નિવેદનથી રાજકીય ગરમાવો: "વંદે માતરમ બંધારણનો ભાગ નથી, ભલે ગળા પર છરી રાખો પણ અમે નહીં ગાઈએ" - શોએબ જમાઈનું વિવાદાસ્પદ નિવેદન

યુપીમાં પણ AIMIM નેતાઓના સુર બદલાયા; શૌકત અલીએ વધુ બાળકો પેદા કરવાની કરી અપીલ, તો અકબરુદ્દીન ઓવૈસીએ સીએમ યોગીને ફેંક્યો પડકાર

નવી દિલ્હી: તા. 13 દેશમાં ફરી એકવાર 'વંદે માતરમ' અને વસ્તી વધારા જેવા સંવેદનશીલ મુદ્દે રાજકીય નિવેદનોની રણભેરી ફૂંકાઈ છે. AIMIM દિલ્હીના પ્રમુખ ડૉ. શોએબ જમાઈએ રાષ્ટ્રગીત ગવાવા અંગે અત્યંત કડક અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા તેમણે વંદે માતરમને બંધારણથી અલગ ગણાવીને ભાજપ અને RSS પર આકરા પ્રહાર કર્યા છે.

"બળજબરી સ્વીકાર્ય નથી"

ડૉ. શોએબ જમાઈએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે વંદે માતરમ એ ન તો ભારતનું રાષ્ટ્રગીત (National Anthem) છે કે ન તો તે બંધારણનો કોઈ ભાગ છે. તેમણે આક્ષેપ કર્યો કે, "ભાજપ અને RSS આ ગીતને પ્રચારના સાધન તરીકે વાપરી રહ્યા છે અને તેને લોકો પર જબરદસ્તી લાદવાનો પ્રયાસ કરે છે." તેમણે વધુમાં ઉગ્ર નિવેદન આપતા કહ્યું કે, "ભલે કોઈ અમારા ગળા પર છરી રાખે, પણ અમે આ ગીત ગાઈશું નહીં."

યુપીમાં વસ્તી વધારાનો વિવાદ

માત્ર દિલ્હી જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ AIMIMના પ્રદેશ પ્રમુખ શૌકત અલીએ મુરાદાબાદમાં એક વિવાદાસ્પદ નારો આપતા મુસ્લિમ સમુદાયને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. તેમણે ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે, "જેટલી વસ્તી વધુ હશે, દેશ એટલો જ મજબૂત બનશે." તેમણે વધુમાં ઉમેર્યું કે બાળકો એ અલ્લાહની દેન છે અને તેને રોકવા જોઈએ નહીં.

અકબરુદ્દીન ઓવૈસીનો સીએમ યોગીને પડકાર

રાજકીય પારો ત્યારે વધુ ચઢ્યો જ્યારે તેલંગાણાના ધારાસભ્ય અને AIMIMના દિગ્ગજ નેતા અકબરુદ્દીન ઓવૈસીએ સીધો જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પડકાર ફેંક્યો. નિઝામાબાદની સભામાં તેમણે કહ્યું કે, "યોગીજી તૈયાર થઈ જાઓ, હવે અમે યુપીમાં પણ અમારો ધ્વજ ફરકાવવા આવી રહ્યા છીએ."

નિષ્ણાતોનો મત

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણીના માહોલ પહેલા આવા નિવેદનો આપીને નેતાઓ પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આવા નિવેદનોથી સામાન્ય જનતાની લાગણી દુભાય છે અને સામાજિક સૌહાર્દ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. બંધારણીય રીતે 'વંદે માતરમ' ને 'રાષ્ટ્રીય ગીત' (National Song) નો દરજ્જો પ્રાપ્ત છે અને તેની ગરિમા જળવાય તે અનિવાર્ય છે.

(5:39 PM IST)