<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

FD ધારકના મૃત્યુ બાદ નોમિની ન હોય તો શું પૈસા ડૂબી જશે? જાણો શું કહે છે બેંકિંગના કડક નિયમો

વારસદાર અને નોમિની વચ્ચેનો તફાવત સમજવો છે જરૂરી: વિલ (વસિયત) વિના પણ કાનૂની વારસદાર કરી શકે છે દાવો : મૃત્યુ પ્રમાણપત્ર અને ઉત્તરાધિકાર પુરાવા દ્વારા લાખોની રકમ મેળવવી હવે થશે સરળ

નવી દિલ્હી:  ઘણીવાર એવું બને છે કે પરિવારના વડીલો ફિક્સ્ડ ડિપોઝિટ  તો કરાવે છે, પરંતુ કોઈ કારણસર તેમાં 'નોમિની' (વારસદાર) નું નામ નોંધાવવાનું ભૂલી જાય છે. આવા સંજોગોમાં તેમના અવસાન બાદ પરિવારજનોને ચિંતા સતાવે છે કે શું બેંકમાં જમા થયેલા લાખો રૂપિયા હવે ક્યારેય પાછા નહીં મળે? બેંકિંગ નિયમો અનુસાર, નોમિની ન હોવો એનો અર્થ એ નથી કે પૈસા ફસાઈ ગયા છે. જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો અને કાનૂની વારસાઈનો પુરાવો હોય, તો તમે ચોક્કસપણે એ રકમ પર દાવો કરી શકો છો. આ રકમનો દાવો કરવાનો પ્રાથમિક અધિકાર પત્ની અને બાળકોનો હોય છે, જેમને કાયદેસરના વારસદાર ગણવામાં આવે છે.

બેંકબજારના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યા મુજબ, લોકોએ 'નોમિની' અને 'માલિક' વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. નોમિની એ માત્ર બેંક અને વારસદાર વચ્ચેનો એક સેતુ છે; તે ફંડનો ટ્રસ્ટી છે, માલિક નહીં. જો કોઈ વ્યક્તિ વસિયત  કર્યા વિના મૃત્યુ પામે, તો બેંક સામાન્ય રીતે મૃત્યુ પ્રમાણપત્ર અને કાનૂની વારસાનું પ્રમાણપત્ર માંગે છે. જો વિલ ઉપલબ્ધ હોય, તો પ્રક્રિયા ઘણી ઝડપી અને સરળ બની જાય છે. ઘણીવાર નાની રકમ માટે બેંકો ઇન્ડેમ્નિટી બોન્ડ અને ઓળખના પુરાવા લઈને પણ પતાવટ કરી દેતી હોય છે, પરંતુ મોટી રકમ માટે કાયદાકીય દસ્તાવેજો અનિવાર્ય છે.

ભવિષ્યની આવી કોઈ પણ કાનૂની માથાકૂટથી બચવા માટે, અત્યારે જ તમારી FD માં નોમિની અપડેટ કરવું હિતાવહ છે. તમે ઘરે બેઠા મોબાઈલ બેંકિંગ એપ્લિકેશન દ્વારા અથવા બેંકની શાખામાં જઈને મિનિટોમાં આ કામ પતાવી શકો છો. દર વર્ષે હજારો કરોડ રૂપિયા 'અનક્લેમ્ડ ડિપોઝિટ' તરીકે બેંકોમાં પડ્યા રહે છે કારણ કે પરિવારોને સાચી પ્રક્રિયાની જાણ હોતી નથી. યાદ રાખો કે રોકાણ કરતી વખતે નોમિનીનું ફોર્મ ભરવું એ માત્ર એક વિધિ નથી, પરંતુ તમારા પરિવારના આર્થિક ભવિષ્યની સુરક્ષા છે.

(7:37 PM IST)