News of Friday, 13th February 2026
ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર: રશિયા પાસેથી ૨૮૮ S-400 મિસાઇલોનો ભંડાર ખરીદશે ભારત : દુશ્મનો માટે આકાશ બનશે લોખંડી કિલ્લો!
₹૧૦,૦૦૦ કરોડના મેગા સોદાને મળી લીલી ઝંડી: પાકિસ્તાન અને ચીનના રડાર પર હવે ભારતનો ‘ડેથ વોરંટ’: ‘ઓપરેશન સિંદૂર’ જેવી સર્જિકલ સ્ટ્રાઈક માટે ફરી ભરાશે શસ્ત્રાગાર

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાતમાં ટૂંક સમયમાં અકલ્પનીય વધારો થવા જઈ રહ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રશિયા પાસેથી અંદાજે ₹૧૦,૦૦૦ કરોડના ખર્ચે ૨૮૮ S-400 મિસાઇલો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સોદાની સૌથી ખાસ વાત એ છે કે તેને 'ફાસ્ટ ટ્રેક પ્રોસિજર' હેઠળ પૂરો કરવામાં આવશે, જેનો અર્થ છે કે લાલ ફીતાશાહીને બાજુ પર મૂકીને આ ઘાતક મિસાઇલોને ભારતની સરહદો પર વહેલી તકે તૈનાત કરી દેવામાં આવશે. આ જથ્થામાં ૧૨૦ ટૂંકા અંતરની અને ૧૬૮ લાંબા અંતરની મિસાઇલો સામેલ છે, જે પાકિસ્તાન અને ચીન બંને મોરચે ભારતની હવાઈ સુરક્ષાને ‘અભેદ્ય’ બનાવશે.
S-400 મિસાઇલ સિસ્ટમ દુનિયાની સૌથી ઘાતક ડિફેન્સ સિસ્ટમ પૈકીની એક માનવામાં આવે છે. આ એ જ મિસાઇલો છે જેનો ઉપયોગ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરવા માટે કર્યો હતો. આ મિસાઇલની વિશેષતા એ છે કે તે જમીનથી હવામાં અને જમીનથી જમીન પર એમ બંને રીતે પ્રહાર કરી શકે છે. જો તેને રાફેલ જેવા આધુનિક ફાઇટર જેટ સાથે ઈન્ટિગ્રેટ કરવામાં આવે, તો તે હવાથી જમીન અને હવાથી હવામાં પણ દુશ્મનનો ખાત્મો બોલાવી શકે છે. આ નવી ખરીદી દ્વારા ભારત પોતાના શસ્ત્રાગારને ફરીથી ભરવા માંગે છે જેથી કોઈ પણ આકસ્મિક યુદ્ધની સ્થિતિમાં ભારતનો હાથ હંમેશા ઉપર રહે.
ભારતની યોજના માત્ર S-400 પૂરતી સીમિત નથી. રશિયાની ‘પેન્ટસિર’ શોર્ટ-રેન્જ સિસ્ટમ સાથે મળીને ભારત એક દ્વિ-સ્તરીય હવાઈ સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે જો દુશ્મન દેશનું કોઈ ફાઇટર જેટ, ડ્રોન કે કામિકાઝ ડ્રોન ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરશે, તો આ મિસાઇલો તેને હવામાં જ રાખ કરી દેશે. આ ઉપરાંત, સરકારે ₹૩.૬૦ લાખ કરોડના અન્ય સંરક્ષણ સોદાઓને પણ મંજૂરી આપી છે, જેમાં રાફેલ જેટ અને મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ નો સમાવેશ થાય છે. ૨૦૨૬ના અંત સુધીમાં આ મિસાઇલોનો ભંડાર ભારત પહોંચી જશે, જે બાદ એશિયાના રણમેદાનમાં ભારતની સૈન્ય તાકાતનો સૂરજ વધુ તેજસ્વી બનશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
