<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

IND vs PAK: કોલંબોમાં ક્રિકેટનો ‘કરંટ’! વિમાનની ટિકિટ ₹૧ લાખને પાર અને હોટેલના એક રાતના ₹૧.૫ લાખ : આ રોમાંચ છે કે લૂંટ?

૧૫ ફેબ્રુઆરીની મહાટક્કર પહેલાં શ્રીલંકાની રાજધાની છાવણીમાં ફેરવાઈ: પાકિસ્તાની ટીમ ૨૪મા માળે ‘કેદ’ તો ટીમ ઇન્ડિયા માટે ITCમાં લોખંડી બંદોબસ્ત : ટિકિટના કાળાબજારમાં ₹૬૫,૦૦૦ સુધીના ભાવ બોલાતા ચાહકોના ખિસ્સા ખાલી

કોલંબો : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ એટલે માત્ર રમત નહીં, પણ લાગણીઓનું ઘોડાપૂર. ૧૫ ફેબ્રુઆરીએ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા કોલંબો શહેર જાણે ક્રિકેટના કેફમાં ડૂબી ગયું છે. આ શાંત શહેર અત્યારે દુનિયાભરના ચાહકોથી ઉભરાઈ રહ્યું છે, પરંતુ આ ઉત્સાહની સાથે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. સુરક્ષાના કારણોસર બંને ટીમોને અલગ-અલગ હોટેલ્સમાં રાખવામાં આવી છે, જેમાં ભારતીય ટીમ ITC હોટેલમાં છે, જ્યારે પાકિસ્તાની ટીમને સિનામન લાઈફ હોટેલના ૨૪મા માળે અત્યંત ચુસ્ત સુરક્ષા કવચ હેઠળ રાખવામાં આવી છે. ૩૫,૦૦૦ની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ આ મેચ માટે હવે ટૂંકું પડી રહ્યું હોય તેમ જણાય છે.

આ મેચને કારણે એરલાઇન્સ અને હોટેલ ઉદ્યોગમાં જાણે ‘લૂંટફાટ’ ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હીથી કોલંબોનું જે વિમાન ભાડું સામાન્ય રીતે ₹૧૬,૦૦૦ની આસપાસ રહેતું હતું, તે અત્યારે ઇકોનોમી ક્લાસ માટે ₹૧.૧૦ લાખ અને બિઝનેસ ક્લાસ માટે ₹૨ લાખ સુધી પહોંચી ગયું છે. આટલું ઓછું હોય તેમ, કોલંબોની લક્ઝરી હોટેલ્સના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જાય તેમ છે. એક રાતના રોકાણ માટે હોટેલ્સ ₹૧.૫ લાખથી વધુની રકમ વસૂલી રહી છે. શહેરના તમામ ૪,૦૦૦ રૂમ બુક થઈ ગયા છે અને સામાન્ય પ્રવાસીઓ માટે હવે Airbnb કે ગેસ્ટહાઉસમાં જગ્યા મળવી પણ અશક્ય બની ગઈ છે.

ક્રિકેટના આ ‘પાગલપન’નો ફાયદો કાળાબજારિયાઓ પણ ઉઠાવી રહ્યા છે. સત્તાવાર રીતે બધી ટિકિટો વેચાઈ ગઈ હોવા છતાં, સ્ટેડિયમની બહાર હજુ પણ હજારો ચાહકો આશા સાથે ભટકી રહ્યા છે. જે ટિકિટો કાળા બજારમાં વેચાઈ રહી છે તેની કિંમત $૮૦૦ (આશરે ₹૬૫,૦૦૦) સુધી પહોંચી ગઈ છે. સામાન્ય મધ્યમવર્ગીય ચાહક માટે આ મેચ જોવી હવે એક સ્વપ્ન સમાન બની ગઈ છે. જોકે, આ આર્થિક બોજ હોવા છતાં ક્રિકેટ પ્રેમીઓનો જુસ્સો ઓછો થયો નથી. હવે જોવાનું એ રહેશે કે ૧૫ ફેબ્રુઆરીએ જ્યારે મેદાન પર ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે, ત્યારે આ લાખોનો ખર્ચ કરનારા ચાહકોને કેવો રોમાંચ મળે છે.

(7:42 PM IST)